02 August, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
માલેગાંવ બ્લાસ્ટકેસના ચુકાદા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભગવો આતંકવાદ ક્યારેય નહોતો અને હશે પણ નહીં, આ ખોટો નૅરેટિવ એ વખતના યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)એ સેટ કર્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘ચૂંટણીમાં અલ્પસંખ્યકોને પંપાળવા હિન્દુ આતંકવાદ છે, ભગવો આતંકવાદ છે એવા પ્રકારનો જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો એ કેટલો ખોટો હતો એ આજે ઉઘાડું પડી ગયું છે. જે પ્રકારે કાવતરું રચીને ભગવો આતંકવાદ દેખાડવાનો કૉન્ગ્રેસ અને UPA સરકારે પ્રયત્ન કર્યો એ કેટલો ખોટો હતો એ કોર્ટે આજે પુરાવા સાથે કહી દીધું છે. જેમના પર તેમણે કાર્યવાહી કરી તેમની તો તેમણે માફી માગવી જ જોઈએ, પણ સૌથી મહત્ત્વનું સંપૂર્ણ હિન્દુ સમાજની કૉન્ગ્રેસે માફી માગવી જોઈએ. જે પ્રકારે ભગવો આતંકવાદ અને હિન્દુ આતંકવાદ કહીને આખા હિન્દુ સમાજને આતંકવાદી દેખાડવાનો પ્રયત્ન આ દેશમાં તેમણે કર્યો એ બદલ કૉન્ગ્રેસે જાહેરમાં માફી માગવી જોઈએ.’
શું સરકાર આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે? : કૉન્ગ્રેસ
માલેગાંવ બ્લાસ્ટકેસનો ચુકાદો આવ્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપેલી પ્રતિક્રિયાને વખોડતાં કૉન્ગ્રેસે સવાલ કરતાં પૂછ્યું છે કે શું સરકાર આ ચુકાદાને કોર્ટમાં પડકારશે? કૉન્ગ્રેસે આ બાબતે કહ્યું હતું કે ‘બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે મુખ્ય પ્રધાનને કોઈ હમદર્દી નથી. કોર્ટે આપેલા ચુકાદા વિશે તેમણે જે પ્રતિક્રિયા આપી છે એ તેમનું પૉલિટિકલ માઇન્ડસેટ દર્શાવે છે. ૭/૧૧ રેલવે સિરિયલ બ્લાસ્ટકેસના આરોપીઓને કોર્ટે છોડી મૂક્યા બાદ સરકારે જે રીતે એ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકાર્યો છે તો શું હવે સરકાર માલેગાંવ બ્લાસ્ટકેસના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે?’