01 September, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે પુણેમાં આયોજિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસ્તરના સંમેલનને સંબોધતાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ને ‘કૉન્ગ્રેસ જિતાઓ પ્રોગ્રામ’ તરીકે ગણાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે વૈચારિક રીતે BJPને હરાવવામાં નિષ્ફળ ગયા બાદ વિપક્ષ હવે છૂટાછવાયા પ્રશ્નો પર રાજકીય લડાઈ લડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના તાજેતરમાં યોજાયેલા ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમ પર નિશાન સાધતાં દેવેન્દ્ર ફડણવીસે એને ‘ઝૂઠ કી ગૂંજ’ તરીકે ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ‘વિપક્ષ સમજી ચૂક્યો છે કે તેઓ વિચારધારાના જંગમાં BJP સામે જીતી શકે એમ નથી. તેથી જ તેઓ નાના-મોટા મુદ્દાઓનો સહારો લઈ રહ્યા છે. જોકે અમે જેમ અગાઉ તેમના ફેક નૅરેટિવને તોડી પાડ્યો હતો એમ આ લડાઈ પણ જીતીને જ બતાવીશું.’
પુણેમાં ગણેશોત્સવ દરમ્યાન ડિસ્ક જૉકી (DJ) અને લાઉડસ્પીકરના ઉપયોગ વિશે ચાલી રહેલા વિવાદ પર બોલતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે પુણે શહેર સમગ્ર રાજ્યને પરંપરાગત રીતે ઉત્સવ ઊજવવાનો માર્ગ બતાવી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે DJ કે લાઉડસ્પીકરના વિવાદોમાં પડવાને બદલે પુણેના નાગરિકો ગણેશોત્સવને સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત અને પરંપરાગત શૈલીમાં ઊજવવાનું પસંદ કરશે.