20 January, 2024 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફડણવીસે ગિરગામ ચોપાટી ખાતે સ્વરાજ ભૂમિ તથા લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું કર્યું ઉદ્ઘાટન
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના રાજ્યાભિષેક સમારોહના અવસરે મુંબઈમાં ગિરગાંવ ચોપાટી ખાતે એ મહાપુરુષના જીવન પર આધારિત લાઇટ ઍન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો હતો, જેની પરિકલ્પના મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ગિરગાંવ ચોપાટી ખાતે લોકમાન્ય ટિળક ઉદ્યાનમાં ગ્લો-ગાર્ડન બનાવવામાં આવ્યો હતો.
લાઇટ ઍન્ડ સાઉન્ડ શો અને ગ્લો ગાર્ડનનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું. એ જ રીતે લોકમાન્ય ટિળક ઉદ્યાન અને આસપાસના વિસ્તારને ‘સ્વરાજ્ય ભૂમિ’ નામ આપવામાં આવ્યું હતું. આ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો દ્વારા ભારતના મહાપુરુષોની ગાથાને ઉજાગર કરવામાં આવશે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના રાજ્યાભિષેકના અવસરે દરેક વ્યક્તિ આ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો દ્વારા ભગવાન શ્રીરામની જીવનયાત્રાનો અનુભવ કરી શકશે.
આ પ્રસંગે બોલતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘હું મંત્રી મંગલ પ્રભાત લોઢાને સ્વરાજ્યભૂમિનો મુદ્દો ઉઠાવવા અને એ મુજબ આ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો શરૂ કરવા બદલ અભિનંદન આપું છું. આજે સમગ્ર ભારતમાં રામમય વાતાવરણ છે, આ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો દ્વારા ભગવાન શ્રીરામના જીવન વિશે આપણને જાણવા મળશે. સાથે જ લોકમાન્ય ટિળક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય ઘણા મહાપુરુષોના જીવનની માહિતી અહીં મળશે. આ ખૂબ સારી પહેલ શરૂ કરવા બદલ હું દરેકને અભિનંદન આપું છું.
મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકર, ધારાસભ્ય પ્રસાદ લાડ, વિધાન પરિષદ જૂથના નેતા પ્રવીણ દરેકરે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મંગલ પ્રભાત લોઢાએ કાર્યક્રમની કલ્પના કરી હતી અને તેઓ કાર્યક્રમના અધ્યક્ષ હતા.