સત્તા-પરિવર્તન બાદ વિધાનભવનમાં ફડણવીસ-ઉદ્ધવ પહેલી વાર સાથે દેખાયા

24 March, 2023 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનભવનમાં પ્રવેશ કરતી વખતે બંને નેતા સાથે થઈ ગયા ત્યારે ચર્ચા કરતા જોવા મળતાં સૌએ આશ્ચર્ય વ્યક્ત કર્યું

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે વિધાનભવનમાં પ્રવેશ કરતી વખતે વાતચીત કરતા જોવા મળ્યા હતા (તસવીર : સૈયદ સમીર અબેદી)

એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું હતું. બીજેપીની મદદથી એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા હતા. આની પાછળ દેવેન્દ્ર ફડણવીસ હોવાનો એકથી વધુ વખત આરોપ કરનારા ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે પહેલી વખત દેવેન્દ્ર ફડણવીસ સાથે જોવા મળ્યા હતા. બંને નેતા વિધાનભવનમાં પ્રવેશ કરતી વખતે વાતચીત કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે બંને નેતાઓ વચ્ચે શું સંવાદ થયો હતો એ જાણવા નહોતું મળ્યું, પણ તેમના ફરી સાથે દેખાવાથી રાજ્યના રાજકારણમાં ગઈ કાલે ગરમાવો આવી ગયો હતો.

મુંબઈમાં અત્યારે રાજ્યનું બજેટસત્ર ચાલી રહ્યું છે. ગઈ કાલે વિધાન પરિષદમાં સામેલ થવા માટે ઉદ્ધવ ઠાકરે વિધાનભવનમાં પહોંચ્યા ત્યારે જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમનો ભેટો થઈ ગયો હતો. બંને સાથે ચાલીને વિધાનભવનની અંદર પહોંચ્યા હતા. જોકે આ દરમ્યાન બંને વચ્ચે કોઈ સંવાદ થયો હતો. એકમેકના જાની દુશ્મન એવા આ નેતાઓ જાહેરમાં શાંતિથી વાતચીત કરતા જોવા મળતાં લોકોને આશ્ચર્ય થયું હતું.

ઉદ્ધવ ઠાકરે વિધાન પરિષદની અંદર નહીં પણ વિધાનભવનની અંદર આયોજિત કરવામાં આવેલી મરાઠી ભાષા સંબંધિત એક બેઠકમાં સામેલ થવા પહોંચ્યા હતા.

૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણી યુતિમાં લડ્યા બાદ બહુમતી મેળવવા છતાં ઉદ્ધવ ઠાકરે યુતિ તોડીને એનસીપી અને કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવીને મુખ્ય પ્રધાન બન્યા હતા. આથી ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસના સંબંધ વણસ્યા હતા.

એકનાથ શિંદેએ બળવો કરીને બીજેપી સાથે સરકાર બનાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે અને બીજેપી સાથેના સંબંધ વધુ બગડ્યા હતા. તેઓ મોકો મળે ત્યારે એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે તો એક સમયે એવું કહ્યું હતું કે ઉદ્વવ ઠાકરેએ ગદ્દારી કરવાથી બીજેપીએ રાજ્યમાં સત્તા ગુમાવી હતી. આથી બંને વચ્ચેના સંબંધ અત્યંત ખરાબ છે ત્યારે તેઓ વિધાનભવનમાં પ્રવેશ કરતી વખતે શાંતિથી વાત કરતા જોવા મળ્યા હતા ત્યારે સૌને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે.

શરદ પવારનો વિરોધીઓને  સાથે લાવવાનો પ્રયાસ

લોકસભાની ચૂંટણીને એક વર્ષ જ બાકી છે અને અત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરી શકે એવો કોઈ નેતા કે પક્ષ દેખાતો નથી ત્યારે વિરોધ પક્ષોને એકત્રિત કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આ માટે શરદ પવારે ગઈ કાલે ઈવીએમના દુરુપયોગના બહાને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને તેમના દિલ્હીના નિવાસસ્થાને એકત્રિત કર્યા હતા. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથના અનિલ દેસાઈ, એનસીપીના નેતા પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, વરિષ્ઠ ઍડ્વોકેટ કપિલ સિબલ, કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહ, જેડીયુના નેતા અનિલ હેગડે, ડી. રાજારામ, ગોપાલ યાદવ, બીઆરએસના કેશવ રાવ, સીપીઆઇએમના એલ. રામકરી સહિતના નેતાઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં આમ તો ઈવીએમના મુદ્દે વાત કરવામાં આવી હતી, પરંતુ એની પાછળ વિરોધીઓને એકત્રિત કરવા માટે વિવિધ પક્ષોના નેતાઓના વિચાર જાણવાનો પ્રયાસ શરદ પવારે કર્યો હોવાનું કહેવાય છે.

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party uddhav thackeray devendra fadnavis