શિયાળુ સત્ર માત્ર ૭ દિવસનું રાખવાના મુદ્દે દેવેન્દ્ર ફડણવીસ અને કૉન્ગ્રેસી નાના પટોલે આમનેસામને

09 December, 2025 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિયાળુ સત્રના પહેલા દિવસે મહારાષ્ટ્ર સરકારે ગૃહમાં ૭૫,૨૮૬ કરોડની પૂરક માગણી રજૂ કરી

નાના પટોલે, દેવેન્દ્ર ફડણવીસ

વિધાનસભાનું સત્ર કમ સે કમ બે અઠવાડિયાંનું હોવું જોઈએ- નાના પટોલે

તમે સ્પીકર હતા ત્યારે તો ત્રણ, ચાર દિવસનાં સેશન થતાં હતાં-  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કૉન્ગ્રેસના સિનિયર લીડર નાના પટોલે ગઈ કાલે નાગપુરમાં શરૂ થયેલા વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે જોરદાર વાક્યુદ્ધમાં ઊતર્યા હતા.
ગૃહની કાર્યવાહી શરૂ થઈ એટલે સૌથી પહેલાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે પૂરક માગણીઓ રજૂ કરી હતી. એ સમયે નાના પટોલેએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આટલા ઓછા સમયનું શિયાળુ સત્ર ન હોવું જોઈએ. આ સત્ર ૧૪ ડિસેમ્બરે પૂરું થઈ જશે. નાગપુર કરાર પ્રમાણે સેશન ઓછાંમાં ઓછાં બે અઠવાડિયાં સુધી ચાલવું જોઈએ. રાજ્ય સરકાર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાને બદલે ઉતાવળમાં કેમ છે?’

આ બાબતે સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે સત્રનો સમયગાળો કામકાજની સલાહકાર સમિતિની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યો હતો. આ દલીલો દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસે નાના પટોલેને યાદ અપાવ્યું હતું કે જ્યારે નાના પટોલે પોતે સ્પીકર હતા અને મહા વિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે તો વિધાનસભા ફક્ત ત્રણથી ચાર દિવસ માટે જ મળી હતી, જ્યારે અન્ય રાજ્યોમાં ૨૦-૨૦ દિવસ સુધીનાં સેશન્સ યોજાયાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ માટે ગમે ત્યારે આચારસંહિતા જાહેર થઈ શકે છે, એ વાતને ધ્યાનમાં રાખીને આ સેશનનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો.’

લાતુર સુધરાઈમાં બેઠકો ૭૦ અને BJPની ટિકિટ માટે ૬૫૦થી વધુ અરજી

૭૦ બેઠકો ધરાવતી લાતુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે લગભગ દસગણા ઉમેદવારોએ ટિકિટની માગણી કરી હોવાનું ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતાએ ગઈ કાલે જણાવ્યું હતું. અહીંની ૭૦ બેઠકો પર BJPની ટિકિટ મેળવવા માટે ૬૫૦થી વધુ અરજીઓ આવી હોવાનો દાવો આ નેતાએ કર્યો હતો. BJP દ્વારા બે દિવસ પહેલાં જ ટિકિટ મેળવવા માગતા હોય એવા ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. ૧૦ ડિસેમ્બર અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે. આ અરજીઓ ફાઇનલ પસંદગી માટે સ્ટેટ લેવલ પર મોકલવામાં આવશે.

શિયાળુ સત્રના પહેલા દિવસે મહારાષ્ટ્ર સરકારે ગૃહમાં ૭૫,૨૮૬ કરોડની પૂરક માગણી રજૂ કરી

મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે વિધાનસભામાં બજેટ ઉપરાંતના ૭૫,૨૮૬.૩૮ કરોડ રૂપિયાની પૂરક માગણી રજૂ કરી હતી. આ માગણી ખેડૂતોને રાહત આપવા માટે, સબસિડી માટે અને સમાજ કલ્યાણની યોજનાઓના ખર્ચને પહોંચી વળવા માટે મૂકવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે ગઈ કાલે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને ફાઇનૅન્સ મિનિસ્ટર અજિત પવારે ગૃહમાં આ માગણીઓ રજૂ કરી હતી. આ નવી માગણીઓ સાથે સરકારે મૂકેલી કુલ પૂરક માગણીઓનો આંકડો ૧,૭૩,૦૧૯ કરોડ પર પહોંચ્યો છે.

કોને કેટલી ફાળવણી થશે?
વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત ખેડૂતો માટે    ૧૫,૬૪૮ કરોડ 
ખેડૂતોને સબસિડી માટે    ૯૨૫૦ કરોડ
મહેસૂલ અને વન વિભાગ માટે    ૧૫,૭૨૧.૦૮ કરોડ 
લાડકી બહિણ યોજના માટે    ૬૧૦૩ કરોડ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે    ૫૦૨૪.૪૮ કરોડ

આગામી સેશનમાં વન્દે માતરમ‍્ પર ચર્ચા થશે: દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે વિધાનસભાના આગામી સત્રમાં રાષ્ટ્રીય ગીત વન્દે માતરમ‍્ પર ચર્ચા કરવામાં આવશે.
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘ગૃહમાં વન્દે માતરમ‍્ પર ચર્ચા થવી જરૂરી છે. વન્દે માતરમ‍્ માત્ર ગીત નથી, પણ ભારતીય સ્વતંત્રતાસંગ્રામ અને રાષ્ટ્રવાદનો મહામંત્ર છે અને આ મહામંત્રએ જ દેશના સામાન્ય માણસને સ્વતંત્રતાસંગ્રામ સાથે જોડ્યો હતો. આ રાષ્ટ્રીય ગીતને ૧૫૦ વર્ષ પૂરાં થયાં છે અને મને આનંદ છે કે સંસદમાં આ વિષય પર ચર્ચા ચાલી રહી છે. આજે અમે પણ વિધાનસભામાં વન્દે માતરમ‍્નું ગાન કર્યું હતું.’

વિધાનસભાના શિયાળુ સત્રની શરૂઆત વન્દે માતરમ‍્ના સંપૂર્ણ સંસ્કરણ સાથે થઈ

વન્દે માતરમ‍્ની રચનાને આ વર્ષે ૧૫૦ વર્ષ પૂરાં થયાં એ બદલ મહારાષ્ટ્ર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોએ વન્દે માતરમ‍્ના સંપૂર્ણ સંસ્કરણના પઠન સાથે શિયાળુ સત્રની શરૂઆત કરી હતી. ત્યાર બાદ સત્તાવાર રાજ્યગીત ‘જય જય મહારાષ્ટ્ર માઝા’ ગવાયું હતું. ૭ નવેમ્બરથી દેશમાં વન્દે માતરમ‍્ના ૧૫૦મા વર્ષની ઉજવણી શરૂ થઈ છે. 

mumbai news mumbai nagpur maharashtra government maharashtra news maharashtra devendra fadnavis congress bharatiya janata party maharashtra political crisis political news