ચિંચોટી-કામણ-ભિવંડી રસ્તા પર હજીયે દુર્લક્ષ

20 February, 2024 07:36 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આક્રમક બનેલા લોકો અને વેપારીઓ આજે રસ્તારોકો આંદોલન કરશે

ચિંચોટી-કામણ-ભિવંડી રોડની કથળેલી હાલતને કારણે લોકો આજે રસ્તારોકો આંદોલન કરશે.

ચિચોટી-કામણ-ભિવંડી રસ્તાની ઘણા લાંબા સમયથી કથળેલી હાલત હોવા છતાં એના પર પ્રશાસનનું ધ્યાન જતું ન હોવાથી એનું સમારકામ થયું જ નથી. આ રસ્તાઓ પર પડેલા અસંખ્ય ખાડા અને ધૂળને કારણે નાગરિકો અને વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. એથી કંટાળીને ફરી એક વાર રોષે ભરાયેલા લોકો કામણ ખાતે આજે રસ્તારોકો આંદોલન કરવાના છે.

વસઈ-ઈસ્ટમાં આવેલા ચિંચોટી-કામણ-ભિવંડી હાઇવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થતાં હોય છે તેમ જ અહીં અનેક નાનાં-મોટાં કારખાનાંઓ પણ આવેલાં છે. આ રસ્તા પર મોટા ખાડા પડી ગયા હોવાથી નાગરિકોએ અહીંથી જોખમી રીતે મુસાફરી કરવી પડે છે તેમ જ રસ્તાની આવી હાલતને કારણે ટ્રાફિક જૅમની પણ સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત ખાડાને કારણે થતી ધ્રુજારીને લીધે વાહનોને તો નુકસાન થાય છે, પરંતુ પ્રવાસ કરનાર વાહનચાલક અને પ્રવાસીઓને કમર અને કરોડરજ્જુમાં દુખાવો સહન કરવો પડે છે. રસ્તાનું સમારકામ કરવામાં આવે એવી સતત માગણી કરવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં ન હોવાથી રસ્તાની હાલત વધુ બિસમાર થઈ ગઈ છે. વારંવાર ફરિયાદ કરવા છતાં વહીવટી તંત્ર એની અવગણના કરી રહ્યું હોવાથી અહીંના નાગરિકો આક્રમક બન્યા છે.

સતત માગણી છતાં આ વિશે ધ્યાન આપવામાં આવતું નથી અને વાહનોની અવરજવર પર અસર થતી હોવાથી આજે કામણ નાકા પાસે ગ્રામ વિકાસ સમિતિના માધ્યમથી તમામ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, મહિલા મંડળો, રિક્ષાચાલક અસોસિએશન, ઇકો કૅબચાલક અસોસિએશન અને સ્થાનિક કંપનીઓમાં કામ કરતાં પુરુષ-મહિલા કામદારો દ્વારા વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે.    

ઇન્ડસ્ટ્રીઓ ​શિફ્ટ થવા લાગી

રસ્તાની એટલી ખરાબ હાલત છે કે વાત ન પૂછો એમ કહેતાં અહીંના સામાજિક કાર્યકર ઍડ. દિનેશ મ્હાત્રેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ રસ્તા માટે છેલ્લા લાંબા સમયથી હું પોતે સંઘર્ષ કરીને લડત કરી રહ્યો છું. મહાનગરપાલિકા કે એમએમઆરડીએ અંતર્ગત હોત તો રસ્તો બની ગયો હોત, પરંતુ આ રસ્તો પીડબ્લ્યુડી વિભાગ અંતર્ગત આવતો હોવાથી રામરાજ્ય ચાલી રહ્યું છે.

પીડબ્લ્યુડીએ રસ્તાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો છે, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. આ રસ્તા બાબતે વારંવાર વિરોધ અને પત્રવ્યવહાર કર્યો હોવા છતાં વહીવટી તંત્ર આ તરફ ધ્યાન આપતું નથી. એથી પ્રશાસનને જગાડવા અમે ફરી એક વાર રસ્તા પર ઊતરીને જોરદાર વિરોધ-પ્રદર્શન કરવાના છીએ. રસ્તાની આવી ખરાબ હાલત હોવા છતાં ટોલ વસૂલાય છે. મિનિસ્ટર પાસેથી નીકળી ગયા છે, પરંતુ રસ્તાના હાલ જોતા નથી. આ વિસ્તારમાં અનેક ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, પરંતુ રસ્તાની આવી હાલત હોવાથી અમુક તો ​શિફ્ટ થઈ ગઈ છે. આ રસ્તા પર ધ્યાન આપવામાં નહીં આવે તો બીજી ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંથી જતી રહેશે. ખાડા અને ધૂળ ઊડતી હોવાને કારણે અહીંથી બાઇક પર જવું પણ મુશ્કેલ બની જાય છે.’  

ભિવંડી-કામણ રોડ વિસ્તારમાં કારખાનું ધરાવતા સમીર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રસ્તાની હાલત આવી ને આવી જ જોવા મળે છે. લાંબો સમય થઈ ગયો, પરંતુ એનાથી રાહત મળતી ન હોવાથી અમે કંટાળી ગયા છીએ. દરરોજ કાર-રિક્ષાથી આવતાં હેરાન થવું પડે છે. આ રસ્તા પરથી કારખાનાનો માલ ડિલિવરી માટે જતો-આવતો હોય તો ટ્રકોને આવતાં પણ મુશ્કેલી થતી હોય છે.’

mumbai news mumbai vasai bhiwandi