02 February, 2026 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવાર
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે રવિવારે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટે ફરી એક વાર મહારાષ્ટ્રને ફટકો માર્યો છે અને ખેડૂતો, કામદારો અને મધ્યમ વર્ગને ભારે નિરાશ કર્યા છે.
નાગપુરમાં પત્રકારોને સંબોધતાં વડેટ્ટીવારે આરોપ લગાવ્યો છે કે ‘રાષ્ટ્રીય તિજોરીમાં સૌથી મોટો ફાળો આપનાર અને ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો મુખ્ય કૉન્ટ્રિબ્યુટર હોવા છતાં કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રને ખાસ કશું અપાયું નથી. મહારાષ્ટ્રના હાથ ખાલી જ રહ્યા છે. કેન્દ્ર મહારાષ્ટ્ર પાસેથી કર વસૂલ કરે છે પરંતુ ભંડોળ અન્ય રાજ્યોમાં વાળી દે છે. આ રાજ્ય સાથે અન્યાય સિવાય બીજું કાંઈ નથી. પાકના ભાવ, સ્ટોરેજ ફૅસિલિટી, કોલ્ડ સ્ટોરેજ ચેઇન અથવા નવાં બજારો માટે કોઈ નક્કર જોગવાઈ ન હોવાથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે. ખાતરના ભાવમાં વધારો, ઇન્પુટ ખર્ચમાં વધારો અને લઘુતમ ટેકાના ભાવનો વણઉકેલાયેલો મુદ્દો હોવા છતાં બજેટ ખેડૂતો માટે કોઈ ચોક્કસ લાભ વિના માત્ર જાહેરાતો કરે છે. કૃષિ માળખાગત સુવિધાને મજબૂત બનાવવા પર કોઈ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નથી.’
ટેક્નૉલૉજી આધારિત વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર પણ પ્રશ્ન ઉઠાવતાં વિજય વડેટ્ટીવારે નિર્દેશ કર્યો કે કેન્દ્રમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) માટે ભંડોળની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં AI માટે અગાઉ જાહેર કરાયેલી ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી પણ વપરાઈ નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આ બજેટ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવા માટે બનાવાયું છે, જ્યારે દેશના ખેડૂતોને ફરી એક વાર અવગણવામાં આવ્યા છે. બજેટ વધતી જતી આર્થિક અસમાનતાને ઉકેલવામાં નિષ્ફળ ગયું છે અને SC, ST, OBC અને EWS સમુદાયોના સશક્તીકરણ માટે નક્કર જોગવાઈઓનો અભાવ છે. યુવાનો નોકરીઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ સરકાર પાસે રોજગારસર્જન માટે કોઈ સ્પષ્ટ રોડમૅપ નથી. ફુગાવો અનિયંત્રિત રહે છે અને મધ્યમ વર્ગ આવકમાં કોઈ અનુરૂપ વધારો કર્યા વિના ઊંચા કરનો બોજ હેઠળ દબાયેલો છે.’