‘મને ટ્રૅપમાં લેવા અમૃતાને એક કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરાયો’

17 March, 2023 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં સંભળાવ્યો આખો ઘટનાક્રમ

ફાઇલ તસવીર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને એક ફૅશન ડિઝાઇનરે એક કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે આ ડિઝાઇનર સામે એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી છે. આ વિશે ગઈ કાલે રાજ્યની વિધાનસભામાં સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે દેવેન્દ્ર ફડણવીસે પોતાને ટ્રૅપ કરવા માટે વિરોધીઓ દ્વારા આ પ્રયાસ કરાયો હોવાનું કહ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં લાંચ આપવાના આ મામલાનો આખો ઘટનાક્રમ સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘વિરોધીઓએ અમૃતા પર દબાણ લાવીને મારા માધ્યમથી કેટલાંક કામ કરવાના પ્રયાસ કર્યા હતા. પહેલાં એક કરોડ રૂપિયાની ઑફર અપાઈ હતી અને બાદમાં બ્લૅકમેઇલ કરવાનો પ્રયત્ન કરાયો હતો. જેના પર પંદરેક જેટલા ગુના નોંધવામાં આવ્યા છે અને સાત-આઠ વર્ષથી ફરાર છે એ અનિલ જયસિંઘાની નામની વ્યક્તિની પુત્રી અનીક્ષા છે. તેની ૨૦૧૫-’૧૬માં અમૃતા સાથે મુલાકાત થઈ હતી. બાદમાં તેમની મુલાકાત બંધ થઈ હતી. ૨૦૨૧ બાદ ફરી આ યુવતીએ મારી પત્નીને મળવાનું શરૂ કર્યું હતું. તેણે પોતે ડિઝાઇનર હોવાનું અને ૫૦ પ્રભાવશાળી મહિલાઓ પોતાની ક્લાયન્ટ છે એવું કહ્યું હતું. પોતાની માતાનું એક પુસ્તકનું આ યુવતીએ અમૃતાના હાથે અનાવરણ કરાવ્યું હતું. આવી રીતે તેણે અમૃતાનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.’

બુકીઓને ઓળખતી હોવાથી પોલીસ તેમની સામે કાર્યવાહી કરે અથવા કાર્યવાહી અટકાવવા માટે એક કરોડ રૂપિયાની કમાણી થવાની વાત અનીક્ષાએ અમૃતા ફડણવીસને કરી હતી એ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અનીક્ષાએ અમૃતાનો વિશ્વાસ સંપાદિત કર્યા બાદ એક દિવસ કહ્યું હતું કે તેના પિતાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, તમે તેમને છોડાવવામાં મદદ કરો. આ વાત તેણે રાજ્યમાં સરકાર બદલાયા બાદ કરી હતી. અમૃતાએ અનીક્ષાને કોઈ નિવેદન હોય તે આપવાનું કહ્યું હતું. બાદમાં અનીક્ષાએ તેના પિતા કેટલાક બુકીઓને ઓળખે છે, તેઓ બુકીઓને જ માહિતી આપતા હતા. તેમને ત્યાં દરોડા પડાવતા અને એમાં અમને બંને બાજુએથી રૂપિયા મળતા હતા. આમાં તમે મદદ કરશો તો આપણે સારા રૂપિયા મેળવીશું અને એ સમયે જ એક કરોડ રૂપિયા આપવાની ઑફર અમૃતાને કરી હતી. આ વાત સાંભળીને અમૃતાએ અનીક્ષાને પોતાની કારમાંથી ઉતારી દીધી હતી અને તેની સાથેના બધા સંબંધ તોડી નાખ્યા હતા. આમ છતાં અનીક્ષાએ અમૃતાનો પીછો છોડ્યો નહોતો અને વારંવાર પોતાના પિતાને છોડાવવાની માગણી કરી હતી.’

વિરોધીઓએ પોતાને ટ્રૅપમાં લેવાનો પ્રયાસ કર્યો હતો એ વિશે દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું હતું કે ‘અમૃતાએ બાદમાં મને જાણ કરતાં અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. અનીક્ષા અને તેના પિતા સામે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવ્યો છે. પોતાના પિતા સામેના બધા કેસ પાછા ખેંચવા માટે તે અમૃતાની પાછળ પડી હોવાનું કહ્યું હતું. આમ કહેતી વખતે તેણે કેટલાક પોલીસ અધિકારીઓનાં નામ કહ્યાં હતાં. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરે અમારી સામેના કેસ પાછા લેવાની શરૂઆત કરી હતી, પણ એકનાથ શિંદેની આગેવાનીની સરકાર આવ્યા બાદ આ કાર્યવાહી બંધ થઈ છે. અનીક્ષાએ આમ કહેવાનું કોઈકે કહ્યું હોવાનું કબૂલ્યું છે. તેણે આપેલી હિન્ટ પરથી જણાઈ આવે છે કે વિરોધીઓ દ્વારા મને અને મારા પરિવારને ટ્રૅપમાં લેવા માટેનો એ પ્રયાસ હતો. ઈશ્વરની કૃપાથી આ મામલામાં બધા પુરાવા હાથ લાગ્યા છે. ફરાર વ્યક્તિ પોલીસના હાથમાં લાગશે તો આ કાવતરા પાછળ કોણ-કોણ છે એ સમજાશે. ચોંકાવનારી વાત એ છે કે અનેક નેતાઓ સાથે એ વ્યક્તિએ વાત કરી હોવાની ઑડિયો ટેપ છે. પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે. આરોપીને જલદી પકડવામાં આવશે. આ ઘટના પરથી જણાઈ આવે છે કે રાજકારણ કેટલું નીચું ઊતરી ગયું છે એના પર આપણે વિચાર કરવો પડશે.’

ક્રાઇમ બ્રાન્ચે ઉલ્હાસનગરમાં દરોડો પાડ્યો

અમૃતા ફડણવીસને ફસાવવાના મામલામાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે ઉલ્હાસનગરમાં દરોડો પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બુકી અનિલ જયસિંઘાનીના ઘરે પોલીસની ટીમ પહોંચી ત્યારે તેની ફૅશન ડિઝાઇનર પુત્રી અનીક્ષા અને પુત્ર અક્ષન ઘરમાં જ હતાં. અમૃતા ફડણવીસે અનીક્ષા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ તેમના ઘરે પહોંચી ત્યારે બંનેએ પોલીસના સવાલના જવાબ આપવાનું ટાળ્યું હતું. અક્ષને તબિયત સારી ન હોવાનું તેમ જ અનીક્ષાએ પોતાની પરીક્ષા ચાલી રહી છે એમ કહ્યું હતું.

mumbai mumbai news mumbai police devendra fadnavis amruta fadnavis