14 August, 2025 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
સ્વતંત્રતાદિન નિમિત્તે ચિકન-મટનની દુકાનો અને કતલખાનાં બંધ રહેવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ખાસ ગમી નથી. તેમણે કહ્યું હતું કે ધાર્મિક લાગણીને માન આપીને અમુક દિવસ કતલખાનાં બંધ રાખવામાં આવે એ માન્ય છે, પરંતુ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે નૉન-વેજ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી.
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) બાદ નાગપુર, માલેગાવ, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગરના મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ૧૫ ઑગસ્ટે નૉન-વેજના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવતાં અજિત પવારે પ્રતિક્રિયા આપી હતી.
નવરાત્રિના પ્રસાદમાં પણ માછલી અને ઝિંગા ખાઈએ છીએ તો ૧૫ ઑગસ્ટે કેમ નહીં? : આદિત્ય ઠાકરે
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ નૉન-વેજ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું હતું કે ‘સ્વતંત્રતાદિનની ઉજવણી માટે લોકોને શું ખાવું છે એનો નિર્ણય લેવાની તેમને આઝાદી છે. આપણે ત્યાં તો નવરાત્રિના પ્રસાદમાં પણ માછલી અને ઝિંગા ખવાય છે. વેજ ખાવું કે નૉન-વેજ ખાવું એ એ લોકો નક્કી નહીં કરે. અમે તો એ દિવસે નક્કી નૉન-વેજ ખાઈશું.’