15 June, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખપત્ર ઑર્ગેનાઇઝરમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમત હોવાથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ અજિત પવારને સાથે લેવાની જરૂર નહોતી. RSSના મુખપત્રની આવી ટીકાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમસાણ મચી ગયું છે. મહારાષ્ટ્ર સરકારમાં સામેલ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આ વિશે શું કહેશે એના પર બધાની નજર છે ત્યારે ગઈ કાલે અજિત પવારને આ સંબંધે પૂછવામાં આવતાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે ‘મારે આ વિશે કંઈ કહેવું નથી. ચૂંટણી થઈ ગયા બાદ અનેક રાજકીય પક્ષના લોકો પોતપોતાનો મત માંડતા હોય છે અને ચૂંટણીમાં શું થયું એ વિશે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા હોય છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. આથી મારે કોઈ ટીકા-ટિપ્પણી નથી કરવી. હું વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. અમારા જિલ્લા અને રાજ્યમાં કેવી મદદ થઈ શકે, મહત્ત્વનાં કામ કેવી રીતે પાટે ચડાવી શકાશે એના પર અમે લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે.’
પહેલાં RSSના અધ્યક્ષ મોહન ભાગવત દ્વારા અને હવે સંઘના મુખપત્રમાં મહારાષ્ટ્ર BJPની ભૂલ સામે આંગળી ચીંધવામાં આવી છે ત્યારે ચારેક મહિના બાદ યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડી શકાશે કે કેમ એ જાણવા માટે BJPએ સર્વે શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.