20 November, 2026 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાઉદના બિલ્ડિંગમાં ગઈ કાલે ચાલતું ડિમોલિશન.
એક સમયે દાઉદ ઇબ્રાહિમ જ્યાં રહેતો હતો એ બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગુરુવારે સવારે હાથ ધરી હતી. જોકે બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ આ બિલ્ડિંગ તોડવાની કાર્યવાહી કામચલાઉ ધોરણે અટકાવી દેવાઈ છે. અત્યાર સુધીમાં જે હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે એની તસવીરો લઈ લેવામાં આવી છે. હવે આ મામલે સુનાવણી પચીસ નવેમ્બરે થશે. ભીંડીબજાર વિસ્તારમાં પાકમોડિયા સ્ટ્રીટ પર આવેલા હાજી ઇસ્માઇલ હાજી હબીબ મુસાફિરખાના નામના આ બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી ભારે પોલીસસુરક્ષા વચ્ચે શરૂ કરવામાં આવી હતી. અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનું આ પૈતૃક ઘર છે. ૧૯૮૬માં ભારત છોડીને ભાગી જતાં પહેલાં ૧૯૭૦ના દાયકામાં દાઉદ ઇબ્રાહિમ અને તેનો પરિવાર આ બિલ્ડિંગમાં રહેતો હતો. BMCએ આ જર્જરિત અને જોખમી જાહેર કરાયેલા બિલ્ડિંગને તોડવાની કાર્યવાહી અગાઉના હાઈ કોર્ટના નિર્દેશ મુજબ શરૂ કરી હતી. બિલ્ડિંગનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું અને એ જર્જરિત થઈ જતાં BMCએ એને ‘C-1’ કૅટેગરીમાં મૂક્યું હતું અને કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ એને તોડી પાડવું જરૂરી હતું.
મુસાફિરખાનાના પરિસરમાં આવેલી મસ્જિદના કબજા હેઠળની જગ્યા ખાલી કરવા માટે BMC દ્વારા આપવામાં આવેલી નોટિસને કોર્ટમાં પડકારવામાં આવી હતી. BMCના C વૉર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા ૧૬ નવેમ્બરે નોટિસ આપવામાં આવી હતી જેમાં ૧૮ નવેમ્બર સુધીમાં જગ્યા ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. શેખ અબ્દુલ રઝાક અને અન્ય એક અરજદારે આ નોટિસ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરીને આ નોટિસના અમલીકરણ પર તાત્કાલિક રોક લગાવવાની અને એને સંપૂર્ણપણે રદ કરવાની માગણી કરી છે. અરજદારોની દલીલ છે કે આ નોટિસ નૅચરલ જસ્ટિસના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે અને સુપ્રીમ કોર્ટ તથા વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા અગાઉ આપવામાં આવેલા આદેશોની વિરુદ્ધ છે. અરજી અનુસાર આ મિલકત ૧૮૬૪માં હાજી ઇસ્માઇલ હાજી હબીબ દ્વારા હજ યાત્રીઓ માટે મુસાફિરખાના તરીકે ઉપયોગમાં લેવા માટે એક મસ્જિદની સાથે આપવામાં આવી હતી. અરજદારોએ દલીલ કરી છે કે આ એક વક્ફ મિલકત છે અને એને તોડી પાડવાની કાર્યવાહી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોની વિરુદ્ધ છે. આ વિવાદ સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT) દ્વારા મિલકતના રીડેવલપમેન્ટ સાથે પણ સંકળાયેલો છે.