સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની લોકલમાં ટિકિટ-ચેકિંગ સ્ટાફ બમણો કરવાની માગણી

10 August, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

AI-જનરેટેડ બનાવટી ટિકિટો જેવી હાઈ ટેક ચોરી પકડવા સ્ટાફ ઓછો પડે છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લોકલ ટ્રેનોમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવતી બનાવટી ટિકિટો, મૉર્ફ કરેલા સ્ક્રીનશૉટ્સ અને બોગસ મોબાઇલ ઍપ્લિકેશન્સનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે. ડિજિટલ ટિકિટિંગમાં થઈ રહેલી આ મસમોટી ગોલમાલ અને મુસાફરોના સતત વધતા ભારણ સામે પહોંચી વળવા માટે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ પોતાના ટિકિટ-ચેકિંગ સ્ટાફની સંખ્યા લગભગ બમણી કરવાની કવાયત હાથ ધરી છે. આનો વિગતવાર પ્રસ્તાવ રેલવે બોર્ડને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો છે.
અત્યારના તબક્કે સેન્ટ્રલ રેલવે પાસે આશરે ૧૪૦૦ અને વેસ્ટર્ન રેલવે પાસે ૧૧૦૦ જેટલા 
ટિકિટ-ચેકિંગ સ્ટાફની મંજૂર થયેલી ક્ષમતા છે. એની સામે મુંબઈ સબર્બન નેટવર્ક પર રોજના ૬૫ લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરે છે, જેમાં સેન્ટ્રલ રેલવે પર ૩૫થી ૩૮ લાખ અને વેસ્ટર્ન રેલવે પર ૨૮થી ૩૦ લાખ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્ટાફની ભારે અછત અને આધુનિક ટેક્નૉલૉજીના દુરુપયોગથી કરવામાં આવતી ઠગાઈ આ નિર્ણય પાછળનાં મુખ્ય કારણો છે. છેલ્લા કેટલાક સમયથી ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ, ફર્સ્ટ ક્લાસના કોચ અને સ્ટેશનો પર ડિજિટલી મૅનિપ્યુલેટ કરેલી બનાવટી ટિકિટો પકડવાના કિસ્સા વધી રહ્યા છે. અપૂરતા સ્ટાફને કારણે રેગ્યુલર ચેકિંગ સાથે આવી હાઈ-ટેક ચોરી પકડવી મુશ્કેલ બનતી હોવાથી હવે સ્ટાફની સંખ્યા બમણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

રેલવે બોર્ડના નિયમો અનુસાર દર ૧૦૦૦ મુસાફરદીઠ એક ટિકિટચેકર હોવો જરૂરી છે. આ ધોરણના આધારે સેન્ટ્રલ રેલવેએ સ્ટાફની સંખ્યા વધારીને ૨૮૦૦ અને વેસ્ટર્ન રેલવેએ ૨૩૦૦થી ૨૪૦૦ સુધી કરવાની માગણી કરી છે.

mumbai news mumbai western railway central railway Crime News mumbai local train