રીલ બનાવવાની આવી ડેન્જરસ ઘેલછા નહીં જોઈ હોય ક્યારેય

21 June, 2024 09:05 AM IST  |  Pune | Gaurang Vyas

મિત્રનો હાથ પકડીને છોકરી બિલ્ડિંગ પરથી લટકી ગઈ: પુણેની શૉકિંગ ઘટના

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

લોકોને પોતાના જીવ કરતાં સોશ્યલ મીડિયા વધારે વહાલું છે એ ઘણા કિસ્સામાં સાબિત થઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ જેવા પ્લૅટફૉર્મ પર રીલ મૂકીને ફૉલોઅર્સને પ્રભાવિત કરવામાં ઘણા યુવાનો જીવ જોખમમાં નાખવા તૈયાર થઈ જાય છે. લેટેસ્ટ કિસ્સો પુણેનો છે જેમાં એક છોકરી તેના પાર્ટનરનો એક હાથ પકડીને બિલ્ડિંગ પરથી સ્ટન્ટ કરતી જોવા મળી હતી. આ જોખમી સ્ટન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.

છોકરી અને તેના મિત્ર રીલ બનાવવા માટે પુણેના સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલા એક નિર્જન બિલ્ડિંગમાં પહોંચ્યાં હતાં. એ છોકરી બિલ્ડિંગની છત પરથી લટકી ગઈ હતી અને હવામાં એક હાથ લહેરાવીને કૅમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. તેના પાર્ટનરે તેનો એક હાથ પકડી રાખ્યો હતો અને બાકીના બે મિત્રોએ તેનો વિડિયો શૂટ કર્યો હતો. જો છોકરાના હાથની પકડ જરા પણ ઢીલી પડી જાત તો આ છોકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત.

આ સ્ટન્ટનો વિડિયો જોયા બાદ લોકોએ છોકરી અને તેના મિત્રો સામે કડક પગલાં લેવા જણાવ્યું છે. જાણીતા ક્રિકેટ-ઍનલિસ્ટ આકાશ ચોપડાએ આ વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘આ લોકોનો પ્રૉબ્લેમ શું છે? કૉમનસેન્સ હવે ખરેખર કૉમન નથી રહી.’ તો ટ્રેડ-ઍનલિસ્ટ સુધીર કોઠારીએ લખ્યું છે, ‘રીલ્સે તો લોકોને બરબાદ કરી નાખ્યા છે.’

પોલીસે ગુનો નોંધ્યો

આ સ્ટન્ટના સંદર્ભે પુણેના ભારતી વિદ્યાપીઠ પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ભારતી વિદ્યાપીઠના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દશરથ પાટીલે આ સંદર્ભે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘સ્ટન્ટ વિડિયોની એ ઘટના અમને માહિતી મળ્યા પ્રમાણે ૧૦-૧૫ દિવસ પહેલાંની છે. સાતારા હાઇવે પાસે એક ​રિસૉર્ટ બન્યો હતો, પણ કોઈ કારણસર એ અવાવરું પડી રહ્યો છે. ત્યાં આ રીલ બનાવાઈ છે. અમે એ વિડિયો ક્યાંથી વાઇરલ થયો એની ટેક્નિકલ માહિતી મેળવી રહ્યા છીએ. હાલ અમે એ સંદર્ભે કાયદાની કલમ ૩૩૬ અંતર્ગત પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનું કૃત્ય કરવા હેઠળ ગુનો નોંધીને તપાસ કરી રહ્યા છીએ.’

pune pune news viral videos social media maharashtra news maharashtra mumbai mumbai news