મહિલાઓની છેડતી કરતા રોમિયોની હવે ખેર નહીં

13 August, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા-ભાઈંદરનાં સાતેય પોલીસ-સ્ટેશનમાં શરૂ કરવામાં આવી દામિની સ્ક્વૉડ : પૅટ્રોલિંગ કરવાની સાથે ડિસ્ટ્રેસ કૉલ કરતાં જ ગણતરીની મિનિટમાં પહોંચી જશે

દામિની સ્ક્વૉડ

તાજેતરમાં ભાઈંદરમાં મોડી રાતે કામ પરથી ઘરે જઈ રહેલી એક યુવતી પર ભાઈંદરમાં અજાણ્યા યુવકે બ્લેડથી હુમલો કર્યો હતો. આ સિવાય યુવતી અને મહિલાઓની છેડતીઓની ઘટનામાં વધારો થયો છે એને ધ્યાનમાં રાખીને મીરા-ભાઈંદર l વસઈ-વિરાર પોલીસે રોમિયોને પાઠ ભણાવવા અને સ્ત્રીઓની સલામતીમાં વધારો કરવા માટે દામિની સ્ક્વૉડ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આમ જોવા જઈએ તો મહિલા પોલીસની આવી સ્ક્વૉડ બનાવવાનો વિચાર એક દશક પહેલાં વહેતો મૂકવામાં આવ્યો હતો, પરંતુ મહિલા પોલીસના સ્ટાફના અભાવે આવી સ્ક્વૉડ મહારાષ્ટ્રના અનેક પોલીસ કમિશનરેટમાં શરૂ નથી થઈ શકી. મીરા-ભાઈંદર l વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર એમ બે ભાગમાં વહેંચાયેલું છે. મીરા-ભાઈંદરમાં આવેલા કાશીમીરા, મીરા રોડ, નવઘર, કાશીગાવ, નયાનગર, ભાઈંદર અને ઉત્તન પોલીસ-સ્ટેશનમાં દામિની સ્ક્વૉડ શરૂ કરવા માટે જરૂરી મહિલા પોલીસ ઉપ્લબ્ધ થઈ ગઈ છે. ટૂંક સમયમાં 
વસઈ-વિરારમાં પણ આવી સ્ક્વૉડ શરૂ થઈ જશે. દામિની સ્ક્વૉડમાં કેટલી મહિલા પોલીસ હશે અને એ કેવી રીતે કામ કરશે એ વિશે મીરા-ભાઈંદર વિભાગના ડેપ્યુટી પોલીસ-કમિશનર પ્રકાશ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરેક દામિની સ્ક્વૉડમાં એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને બે મહિલા સિપાહી સામેલ કરવામાં આવ્યાં છે. આ સ્ક્વૉડ ટૂ-વ્હીલર કે ફોર-વ્હીલર દ્વારા પૅટ્રોલિંગ કરશે. આ ઉપરાંત કોઈ મહિલા હેલ્પલાઇન નંબર ૧૧૨ પર ફોન કરશે તો ગણતરીની મિનિટમાં આ સ્ક્વૉડ ફોન કરનારી મહિલાની મદદે પહોંચી જશે. આમ આ સ્ક્વૉડ કાર્યરત થવાથી મહિલાઓની સુરક્ષામાં વધારો થયો છે અને રોડરોમિયો સામે કાર્યવાહી થઈ શકશે.’

mira road bhayander mumbai police mumbai mumbai news Crime News mumbai crime news