કાતિલ કંકાસ

19 May, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂની અદાવતને પગલે બે પરિવાર વચ્ચે ફાટી નીકળેલી મારામારીમાં ત્રણ જણની હત્યા

જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા

દહિસર-વેસ્ટમાં એમએચબી પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા ગણપત પાટીલનગરમાં ગઈ કાલે અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી જેમાં જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એમએચબી પોલીસ-સ્ટેશનના એક અધિકારીના જણાવ્યું હતું કે ‘ગણપત પાટીલનગરમાં રહેતા રામ નવલ ગુપ્તાના નારિયેળના સ્ટૉલ પાસે ગઈ કાલે બપોરે સાડાચાર વાગ્યે હમીદ શેખ દારૂના નશામાં ગયો હતો. રામ ગુપ્તા અને હમીદ શેખ વચ્ચે જૂની અદાવત છે અને તેમણે એકબીજા સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. હમીદ શેખે રામ ગુપ્તાને અપશબ્દો કહેતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો આથી બન્નેએ પોતપોતાના પુત્રોને બોલાવ્યા હતા. રામ ગુપ્તાના પુત્રો અમર અને અરવિંદ તેમ જ હમીદ શેખના પુત્રો અરમાન અને હસન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બન્ને પક્ષે જોરદાર મારામારી થવાની સાથે ધારદાર વસ્તુથી હુમલો થયો હતો જેમાં રામ ગુપ્તા અને તેના પુત્ર અરવિંદને ગંભીર ઈજા થતાં તેમનાં મૃત્યુ થયાં હતાં. સામા પક્ષે હમીદ શેખ અને તેના પુત્ર અરમાનને પણ ગંભીર ઈજા થઈ હતી જેમાં હમીદ શેખનું મોત થયું હતું. ધોળે દિવસે સામસામી મારામારી અને હુમલા બાદ ત્રણ જણની હત્યા થવાની ઘટનાથી દહિસરમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ત્રણેયના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યા હતા. આ ઘટનામાં ગુપ્તા અને શેખ પરિવારના લોકો સંકળાયેલા હોવાથી તેમની સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે કહ્યું હતું.

mumbai crime news crime news murder case mumbai police news mumbai mumbai news dahisar