29 June, 2025 06:34 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પુણેની સાઇબર પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જેણે એક લોકપ્રિય મૅટ્રિમોનિયલ સાઇટ પર પોતે ડૉક્ટર હોવાનો બનાવટી પ્રોફાઇલ બનાવીને પુણેના ખરડી વિસ્તારમાં રહેતી દિલ્હીની એક મહિલા સાથે ૩.૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. મૅટ્રિમોનિયલ સાઇટ પર તેણે પોતાનું નામ ડૉ. રોહિત ઑબેરૉય હોવાનું અને ઑસ્ટ્રેલિયામાં ડૉક્ટર હોવાનું જણાવ્યું હતું. જોકે હકીકતમાં આરોપીની ઓળખ અભિષેક શુક્લા તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી છે અને હાલમાં ઑસ્ટ્રેલિયાના પર્થમાં રહે છે. પુણેની આ મહિલાના અગાઉ છૂટાછેડા થયા હતા અને ફરી જીવનસાથીની શોધમાં તેણે મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવ્યો હતો, પરંતુ અભિષેક શુક્લાએ ગોઠવેલી જાળમાં ફસાઈ ગઈ હતી.
સાથે રહ્યાં અને ફર્યાં
મૅટ્રિમોનિયલ સાઇટ પર મહિલાનો પ્રોફાઇલ જોઈને ૨૦૨૩માં પોતાને ભારતીય મૂળના ઑસ્ટ્રેલિયન નાગરિક ગણાવતા ડૉ. રોહિત ઑબેરૉયે તેનો સંપર્ક કર્યો હતો. સમય જતાં બન્ને વચ્ચે ગાઢ સંબંધ બંધાયો અને તેઓ પુણે અને ભારતનાં અન્ય શહેરોમાં અલગ-અલગ સ્થળોએ સાથે રહેતાં હતાં.
ભરણપોષણની રકમ પર નજર
મહિલાને પ્રથમ લગ્નથી ભરણપોષણ તરીકે પાંચ કરોડ રૂપિયા મળ્યા હતા અને તેણે આજીવિકા માટે એક સ્કૂલમાં માઇન્ડફુલનેસ અને આધ્યાત્મિકતા કાર્યક્રમો શરૂ કર્યા હતા. તેની સંપત્તિ વિશે જાણીને આરોપીએ તેને ખાતરી આપી કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વ્યવસાયને વિસ્તૃત કરવામાં મદદ કરી શકે છે અને એ માટે ભંડોળની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું હતું.
રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
સિંગાપોરના ઇવોન અને વિન્સેન્ટ કુઆન નામના સહયોગીઓની બનાવટી ઓળખનો ઉપયોગ કરીને આરોપીએ મહિલાને સિંગાપોરની એક બૅન્ક અને ઘણી ભારતીય બૅન્કોનાં ખાતાંઓમાં કુલ ૩.૬ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
કૅન્સરથી મૃત્યુ પામ્યાનો દાવો
ત્યાર બાદ મને મોઢાનું કૅન્સર છે એમ કહીને આરોપી પુણેની મહિલાથી દૂર રહેવા લાગ્યો હતો. જોકે ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં આ મહિલાને વિન્સેન્ટ કુઆન તરફથી એક ઈ-મેઇલ મળી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ડૉ. રોહિત ઑબેરૉયનું મૃત્યુ થયું છે.
લુકઆઉટ સર્ક્યુલર જાહેર
આ સમયે મહિલાને શંકા જતાં તેણે એક મિત્રની સલાહ લીધી હતી. મોટી રકમની છેતરપિંડી કરવામાં આવી હોવાથી આ કૌભાંડ હોઈ શકે છે એવા તેના સૂચનના પગલે મહિલાએ સાઇબર પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે ડૉ. રોહિત ઑબેરૉય બીજું કોઈ નહીં પણ હકીકતમાં અભિષેક શુક્લા હતો. અધિકારીઓએ અભિષેક શુક્લા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કર્યો હતો અને ૨૫ જૂને સિંગાપોરથી આગમન બાદ મુંબઈ ઍરપોર્ટ પર અભિષેક શુક્લાને અટકાવવામાં આવ્યો અને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તે હાલમાં પોલીસ-કસ્ટડીમાં છે.
૩૦૦૦ મહિલાઓનો સંપર્ક કર્યો હતો
પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અભિષેક શુક્લાએ મૅટ્રિમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલનો ઉપયોગ કરીને ૩૦૦૦થી વધુ મહિલાઓનો સંપર્ક કર્યો હતો. અધિકારીઓનું માનવું છે કે તેણે લગ્નના બહાને ઘણી મહિલાઓ સાથે છેતરપિંડી કરી હશે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.