13 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઇબર ફૉરેન્સિક એક્સપર્ટ સચિન દેઢિયા
બોરીવલીમાં રહેતા સાઇબર ફૉરેન્સિક એક્સપર્ટ સચિન દેઢિયા ગઈ કાલે વહેલી સવારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ અસોસિએશનમાં ટ્રેઇનિંગ આપવા પુણે જવા નીકળ્યા હતા, પણ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર શીરગાવ પાસે તેમની કારના ડ્રાઇવરે ફુલ સ્પીડમાં કાર આગળ ઊભેલા ટૅન્કર સાથે અથડાવી દેતાં ગોઝારો અકસ્માત થયો હતો. તેમની કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કારમાં બહુ ખરાબ રીતે ફસાઈ ગયેલા સચિન દેઢિયાને માથામાં થયેલી ઈજાને કારણે પુષ્કળ લોહી વહી ગયું હોવાથી તેમને બહાર કાઢીને હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાય એ પહેલાં રસ્તામાં ઍમ્બ્યુલન્સમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હૉસ્પિટલ લઈ જવામાં ખાસ્સો સમય નીકળી ગયો હતો.
મૂળ કુંદરોડી ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના સચિન દેઢિયાની નાની બહેન ઉર્વીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાઈ સાઇબર ફૉરેન્સિક એક્સપર્ટ હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સાથે પણ સંકળાયેલા હતા. તેમણે નેવી, આર્મી અને અન્ય વિભાગો તેમ જ પોલીસમાં અનેક જગ્યાએ અનેક ઑફિસરોને એ માટેની ટ્રેઇનિંગ પણ આપી હતી એટલું જ નહીં, અમેરિકામાં પણ આપણી કૉન્સ્યુલેટના ઑફિસરોને તેમણે ટ્રેઇનિંગ આપી હતી. ગઈ કાલે પણ તેઓ પુણેમાં ટ્રેઇનિંગ આપવાની હોવાથી વહેલી સવારે નીકળી ગયા હતા. કાર પણ ત્યાંના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સના અસોસિએશને જ અરેન્જ કરી હતી. અમને અકસ્માતની જાણ કરવામાં આવી એ પછી ઘણા સમય સુધી તેમને સારવાર માટે ન લઈ જવાયા એને કારણે બ્લડ-લૉસ થતાં તેમનું મૃત્યુ થયું હતું.’
૪૫ વર્ષના સચિન દેઢિયા જે ઇમ્પોર્ટન્ટ અને સેન્સિટિવ સાઇબર ફૉરેન્સિકનું કામ કરતા હતા એને કારણે શું કોઈએ તેમની સાથે અજુગતું કર્યાની પરિવારને શંકા છે? એના જવાબમાં ઉર્વીએ કહ્યું હતું કે ‘તેમને ક્યારેય કોઈ ધમકી મળી હોય કે તેમના કોઈ દુશ્મન હોય એવું સાંભળ્યું નથી. તેઓ જે લોકોના સંપર્કમાં આવતા એ બધાનું કહેવું હતું કે તેઓ એકદમ નમ્ર અને હંમેશાં મદદ કરવા તત્પર રહેતા. હી વૉઝ વેરી કાઇન્ડ.’
સચિન દેઢિયાના પરિવારમાં માતા-પિતા, નાની બહેન, પત્ની અને દોઢ વર્ષનો દીકરો છે.
પોલીસ કહે છે કે અમે ગણતરીની મિનિટોમાં સ્પૉટ પર પહોંચી ગયા
અકસ્માત એક્ઝૅક્ટલી ક્યાં અને કઈ રીતે થયો એની વિગતો આપતાં હાઇવે પોલીસના ઑફિસર સચિન સુભાષ સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અકસ્માત જૂના ઉર્સે ટોલનાકાથી આગળ પુણે તરફ જતાં સાતેક કિલોમીટરના અંતરે એક્સપ્રેસવે પર સવારે આઠથી ૮.૧૫ વાગ્યા વચ્ચે થયો હતો. અમે જૂના ઉર્સે ટોલનાકા પર તહેનાત હોઈએ છીએ. જેવી અમને અકસ્માતની જાણ થઈ કે તરત અમારી સાથે આવા વખતે મદદ કરવા ‘દેવદૂત’ની ટીમ હોય છે. તેમની સાથે અમે ગણતરીની મિનિટોમાં સ્પૉટ પર પહોંચી ગયા હતા. ડ્રાઇવરે આગળ ઊભેલા કન્ટેનરને પાછળથી બહુ સ્પીડમાં ઇનોવા કાર ઠોકી દીધી હતી. તેમની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પંચાવન વર્ષના ડ્રાઇવર પરમેશ્વર શિવલિંગનું તો ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેની પાસેના લાઇસન્સ પરથી તે ઉસ્માનાબાદનો હોવાનું જણાયું હતું. કારની હાલત બહુ ખરાબ હતી. દેવદૂતની ટીમના સભ્યોએ પતરું કાપીને સચિન દેઢિયાને બહાર કાઢવા પડ્યા હતા. તેમને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં ઘણો સમય નીકળી ગયો હતો. એ પછી તેમને પૌના હૉસ્પિટલ લઈ જવાયા હતા, પણ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.’