એક જ ટ્રૅક પર સામસામે આવી ગઈ બે લોકલ ટ્રેન પબ્લિકના જીવ અધ્ધર

22 April, 2026 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે દિવસના ધાંધિયા પછી સેન્ટ્રલ રેલવેમાં ત્રીજા દિવસે તો અજબગજબ ઘટના બની: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર બપોરે બન્યો આ બનાવ : ઇન્ટર્નલ સિગ્નલ લાલ હોવાને કારણે મોટરમૅને ટ્રેન અટકાવીને દુર્ઘટના ટાળી, એક કલાક સુધી ટ્રેનોને અસર

સિગ્નલની ખામીને લીધે CSMTના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર સામસામે આવી ગયેલી બે લોકલ ટ્રેનો, પ્રવાસીઓ ટ્રૅક પર ઊતરી ગયા હતા.

સેન્ટ્રલ રેલવેમાં સતત ત્રીજા દિવસે પણ પ્રવાસીઓની તકલીફ ઓછી નહોતી થઈ. રવિવારે મેગા બ્લૉક, સોમવારે ડોમ્બિવલી પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઊતરી જવાની ઘટનાને લીધે અરાજકતા સર્જાયા બાદ ત્રીજા દિવસે પણ સેન્ટ્રલ રેલવે ખોડંગાઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)માં મંગળવારે એક મોટી ટ્રેન-દુર્ઘટના ટળી હતી. સિગ્નલિંગ કે રૂટ-ડાઇવર્ઝનની ખામીને કારણે બે લોકલ ટ્રેનો પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર એક જ ટ્રૅક પર સામસામે આવી જતાં રેલવે-પ્રશાસન અને પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. 

બદલાપુરથી બપોરે ૩.૧૮ વાગ્યે આવતી એક લોકલ ટ્રેનને ભૂલથી પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર વાળવામાં આવી હતી, પરંતુ આ પ્લૅટફૉર્મ પર અગાઉથી જ ખોપોલી જનારી એક લોકલ ટ્રેન ઊભી હતી. સામેથી આવતી ટ્રેનને પ્લૅટફૉર્મ-નંબર ૪ પર મોકલવાની હતી, પરંતુ એ પાંચ નંબરના ટ્રૅક પર ડાઇવર્ટ થઈ ગઈ હતી. જોકે બન્ને ટ્રેનો વચ્ચે ઇન્ટર્નલ સિગ્નલ હોવાને કારણે ટ્રેનોની ટક્કર થઈ નહોતી.

આ ઘટનાને ગંભીરતાથી લેતાં સેન્ટ્રલ રેલવે દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કયા કારણસર ટ્રેનને ખોટા પ્લૅટફૉર્મ પર મોકલવામાં આવી અને એમાં કોની બેદરકારી થઈ હતી એની વિગતવાર તપાસ કરવામાં આવશે. રેલવેએ આ ઘટનાને ગંભીર ભૂલ ગણાવી છે અને પ્લૅટફૉર્મ-નંબર ૧૮ નજીક સેન્ટ્રલ કન્ટ્રોલ કૅબિનના સ્ટેશન-મૅનેજરને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

બન્ને ટ્રેનો વચ્ચે રહ્યું ૧૩૦ મીટરનું અંતર

સેન્ટ્રલ રેલવેના એક પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે ‘બન્ને ટ્રેનો વચ્ચે અકસ્માત થવાની કોઈ શક્યતા નહોતી, કારણ કે એની વચ્ચે લાલ સિગ્નલ હતું. ઇન્ટર્નલ હોમ સિગ્નલ લાલ હોવાને કારણે મોટરમૅને આવનારી ટ્રેનને સમયસર રોકી દીધી હતી. જ્યારે ટ્રેન ઊભી રહી ત્યારે બન્ને વચ્ચે અંદાજે ૧૩૦ મીટરથી વધુનું અંતર હતું જેને કારણે ટક્કર થવાનું જોખમ ટળી ગયું હતું.’
બોક્સ: તકેદારીના ભાગરૂપે ટ્રેન-વ્યવહાર રોકાયો

આ ગંભીર ચૂક બાદ સાવચેતીના પગલારૂપે બપોરે ૩.૧૮ વાગ્યે પ્લૅટફૉર્મ-નંબર પાંચથી ૮ પર ટ્રેનોની અવરજવર અટકાવી દેવામાં આવી હતી. રેલવેના ટેક્નિકલ સ્ટાફે ટ્રેનોને કન્ટ્રોલ્ડ રીતે બૅકિંગ (પાછળ લેવાની પ્રક્રિયા) કરાવીને મામલો થાળે પાડ્યો હતો. ૩.૪૮ વાગ્યે ટ્રેનને પ્લૅટફૉર્મ-નંબર ૪ પર લાવવામાં આવી હતી. લગભગ એક કલાક બાદ તમામ પાટા ક્લિયર થતાં CSMT પરથી ટ્રેનો ફરી શરૂ થઈ હતી.

મંગળવારે સવારે પણ સેન્ટ્રલ રેલવેની ટ્રેનો ખોરવાઈ હતી 

મંગળવારે સવારે પીક અવર્સમાં સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન, હાર્બર લાઇન અને ટ્રાન્સ હાર્બર લાઇન એમ ત્રણેય લાઇન પર ટ્રેનો વીસથી ૩૦ મિનિટ મોડી પડી હતી. કસારા અને ખર્ડી વચ્ચે ત્રીજી લાઇનના કામને કારણે કસારા રૂટની ટ્રેનો મોડી પડી હતી. સોમવારે કલવા કારશેડથી કલ્યાણ જતી ખાલી ટ્રેનનો કોચ પાટા પરથી ઊતરી ગયો હતો એ ટ્રૅકના સમારકામની અસર પણ ટ્રેનના ટ્રાફિક પર પડી હતી. રિપેરિંગ ચાલુ હોવાથી પીક અવર્સ દરમ્યાન સ્ટેશનો પર ભારે ભીડ હતી. પનવેલથી આવતી ટ્રેનો રદ થવાને કારણે સીબીડી બેલાપુર જેવાં સ્ટેશનોએ પ્રવાસીઓએ ભારે હાલાકી વેઠવી પડી હતી. 

ડોમ્બિવલીની ઘટનાની તપાસ માટે તપાસ સમિતિની રચના

ડોમ્બિવલી સ્ટેશન નજીક જે ટ્રેનનો કોચ પાટા પરથી ખડી પડ્યો હતો એ સમયે ટ્રેનની સ્પીડ માત્ર ૧૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી મર્યાદિત હતી. જોકે એમ છતાં ઘટના બની અને ત્રણ કલાક સુધી સ્લો ટ્રૅક બંધ રહ્યો. અનેક ટ્રેનો મોડી પડી અને પ્રવાસીઓએ હાલાકી વેઠવી પડી હતી. આ સંદર્ભે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે એથી રેલવેએ આ ઘટનાની તપાસ માટે હવે ચાર વરિષ્ઠ અધિકારીઓની બનેલી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.

mumbai news mumbai mumbai local train chhatrapati shivaji maharaj terminus csmt mumbai trains dombivli central railway