મેટ્રોનું કનેક્ટિવિટી હબ સીએસએમટી

11 March, 2023 07:53 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

...કારણ કે એની બંને બાજુએથી સેન્ટ્રલ અને વેસ્ટર્ન બંને સબર્બ્સને કનેક્ટેડ મેટ્રો ટ્રેન મળી રહેશે : બજેટમાં મળી મંજૂરી : વડાલામાં લાઇન ૪નું એક્સ્ટેન્શન થશે ગ્રીન લાઇન ૧૧, મેટ્રો સ્ટેશન સીએસએમટીના પૂર્વમાં બનશે

સીએસએમટી પાસે મેટ્રોના કામને લીધે લગાવવામાં આવેલાં બૅરિકેડ્સની સાફસફાઈ કરી રહેલો કર્મચારી. તસવીર: આશિષ રાજે

મુંબઈ : બજેટમાં લાઇન ૧૧ની મંજૂરી સાથે હવે ૧૯મી સદીના વિક્ટોરિયન ગૉથિક રેલવેની અજાયબી એવા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)માં પશ્ચિમ અને પૂર્વ બંને ઉપનગરો સાથે મેટ્રો કનેકટિવિટી હશે. ગુરુવારે મંજૂર કરાયેલી નવી લાઇનોમાં વડાલાથી સીએસએમટી સુધીની ગ્રીન લાઇન ૧૧ છે જે ગ્રીન લાઇન ૪નું વિસ્તરણ છે અને એ વડાલા અને થાણેના ભક્તિ પાર્ક વચ્ચે નિર્માણાધીન છે.

બજેટની જાહેરાત મુજબ લાઇન ૧૧ જે ૧૨.૭૭ કિલોમીટરની છે એ ૮,૭૩૯ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બનશે. એ આંશિક રીતે અન્ડરગ્રાઉન્ડ હશે અને એમાં ૧૦ સ્ટેશન હશે. સીએસએમટી ખાતેનું મેટ્રો સ્ટેશન પૂર્વ તરફ હશે.

રાજ્ય સરકારે ૪,૪૭૬ કરોડ રૂપિયાના આંદાજિત ખર્ચે ચાર સ્ટેશનો સાથે ૯.૨ કિલોમીટરની લંબાઈ ધરાવતી મીરા રોડમાં આવેલી ગાયમુખથી શિવાજી ચોક સુધીની લાઇન ૧૦ને વિસ્તૃત કરવાની પણ મંજૂરી આપી દીધી છે. ગ્રીન લાઇન ૪ કૉરિડોર પૂરો થઈ ગયા બાદ એ ૫૭.૧૧ કિલોમીટર લાંબો થઈ જશે જે શિવાજી ચોક, ગાયમુખ, કાસરવડવલી, વડાલા અને સીએસએમટીને ૪૮ સ્ટેશનો સાથે જોડશે.

દરમિયાન મુંબઈ મેટ્રો, ઍક્વા લાઇન ૩ કૉરિડોરના ભાગરૂપે સીએસએમટી ખાતે એક નવા અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનનું કામ પૂરું થયું છે, જે મુસાફરોને પશ્ચિમ ઉપનગરોમાં કોલાબાથી સીપ્ઝ સુધી લઈ જશે. નવા સ્ટેશનને  સીએસએમટી ખાતે હાલના પેડેસ્ટ્રિયન સબવે સાથે જોડવામાં આવી રહ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે સીએસએમટી ખાતે હાલના સબવેને ઍક્વા લાઇન ૩ સ્ટેશન સાથે અડચણરહિત કનેક્ટિવિટી માટે અન્ડરગ્રાઉન્ડ માર્ગથી જોડશે, જેથી મુસાફરોને બીજી ટ્રેન માટે સ્ટેશનની બહાર આવવું ન પડે. 

mumbai mumbai news mumbai metro rajendra aklekar