18 May, 2025 06:59 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
કૂતરાઓથી બચવા ગાય દોડીને બીજા માળે ચડી ગઈ
પુણેમાં ગઈ કાલે સવારના છ વાગ્યે શેરીના શ્વાનો પાછળ પડતાં એક ગાય એમનાથી બચવા બીજા માળ સુધી એક મકાનના સાંકડા લાકડાના દાદરા ચડી ગઈ હતી. જોકે એ પછી એ દાદરાથી ઊતરી શકે એમ નહોતી એટલે ક્રેનથી ઉતારવી પડી હતી.
આ અનોખી ઘટના પુણેના રવિવાર પેઠના પરદેશી વાડામાં બની હતી. ગલીના શ્વાન ગાયની પાછળ પડતાં ગાય એમનાથી બચવા સાંકડા લાકડાના દાદરા ચડીને બીજા માળે પહોંચી ગઈ હતી. બિલ્ડિંગમાં રહેતા લોકો સવાર-સવારમાં ગાયને પૅસેજમાં જોઈને અચરજ પામ્યા હતા. તેમણે ત્યાર બાદ ગાયને નીચે લાવવાના પ્રયાસ કરી જોયા, પણ સાંકડી જગ્યામાં એ શક્ય નહોતું એટલે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર-બ્રિગેડે એ પછી ક્રેન બોલાવી હતી અને એ ક્રેનની મદદથી ગાયને પટ્ટામાં બાંધીને સુરિક્ષત નીચે ઉતારવામાં આવી હતી.