જમ્બો કોવિડ સેન્ટર સ્કૅમમાં સંજય રાઉતના સહયોગીની ધરપકડ

18 August, 2023 02:52 PM IST  |  Mumbai | Faizan Khan

ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે સુજિત પાટકરની કરી ધરપકડ

ફાઇલ તસવીર

જમ્બો કોવિડ સેન્ટર સ્કૅમના મામલે મહત્ત્વની કાર્યવાહી કરવામાં આવી છે. ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (ઈઓડબ્લ્યુ)એ શિવસેના (યુબીટી)ના સંજય રાઉતના નજીકના સહયોગી સુજિત પાટકરની ધરપકડ કરી છે. સુજિત પાટકરની અગાઉ જમ્બો કોવિડ સેન્ટર કૌભાંડના મની લૉન્ડરિંગ કેસના સંબંધમાં ઈડીએ ધરપકડ કરી હતી.

સિનિયર અધિકારીએ પુષ્ટિ કરી છે કે કોર્ટે તેમને પાંચ દિવસની કસ્ટડી આપી હતી અને અગાઉ સુજિત પાટકરના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે કહ્યું હતું કે તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે, કારણ કે એવું જણાય છે કે વરલી અને દહિસર જમ્બો સેન્ટર માટે મેડિકલ અને પૅરામેડિકલ સ્ટાફ સપ્લાય કરવાનો કૉન્ટ્રૅક્ટ બનાવટી હતો. ઈઓડબ્લ્યુએ એવો પણ દાવો કર્યો છે કે સુજિત પાટકરે લાઇફલાઇન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સર્વિસ (LHMS) માટે કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે બનાવટી ડૉક્યુમેન્ટ્સનો સહારો લીધો હતો. સુજિત પાટકર LHMSના પાર્ટનર્સમાંથી એક હતા અને કૉન્ટ્રૅક્ટ મેળવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભાજપના કિરીટ સોમૈયાએ ગયા વર્ષે ઑગસ્ટમાં આઝાદ મેદાન ખાતે કેસ કર્યો હતો અને એવો આરોપ મૂક્યો હતો કે LHMSએ બીએમસી પાસેથી કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે ખોટા દસ્તાવેજો સબમિટ કર્યા છે અને બીએમસી સાથે ૩૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ફંડના ગોટાળાના આરોપો બાદ મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ ઈઓડબ્લ્યુએ તપાસ શરૂ કરી હતી અને ઈડીએ મની લૉન્ડરિંગના મામલે ગયા મહિને સુજિત પાટકર અને અન્ય આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે લાઇફલાઇન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સર્વિસિસને કોવિડ સેન્ટર્સને તબીબી કર્મચારીઓના સપ્લાયમાંથી ૩૧.૮૪ કરોડ રૂપિયા મળ્યા હતા. તપાસમાં લાઇફલાઇન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સર્વિસિસના સ્ટાફ દ્વારા બીએમસીને સબમિટ કરાયેલી અટેન્ડન્સ શીટ્સ અને ડૉક્યુમેન્ટ્સમાં મોટી વિસંગતતાઓ બહાર આવી છે. ૨૬ જૂન ૨૦૨૦ના રોજ સ્થપાયેલી કંપનીએ મેડિકલ સ્ટાફની સેવાઓ પૂરી પડવાના કોઈ પણ અનુભવ વિના બીએમસી પાસેથી NSCI, વરલી અને દહિસર જમ્બો કોવિડ સેન્ટર્સમાં સ્ટાફ પૂરો પાડવાનો કૉન્ટ્રૅક્ટ મેળવ્યો હતો. ઈઓડબ્લ્યુના અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિસ્તૃત ફૉરેન્સિક ઍનૅલિસિસ બાદ કેટલીક વિગતો સામે આવી છે જે પ્રાથમિક દૃષ્ટિએ સાબિત કરે છે કે તેણે (સુજિત પાટકર) તેના રાજકીય પ્રભાવથી કૉન્ટ્રૅક્ટ મેળવ્યો હતો અને તે બનાવટી ડૉક્યુમેન્ટ્સ બનાવવામાં સામેલ હતો. કસ્ટોડિયલ પૂછપરછમાં આ વિગતોની ચકાસણી કરવાની જરૂર છે.’

coronavirus covid19 shiv sena sanjay raut mumbai mumbai news faizan khan