28 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશના અનેક રાજ્યોમાં કોવિડ મહામારીએ (COVID-19 Cases) ફરી ઊથલો માર્યો છે. મુંબઈમાં પણ તેનો પગપેસારો થઈ ગયો છે. હવે કલ્યાણ-ડોમ્બીવલીમાં પણ કોરોના કેસણી એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ચાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલે હવે હોસ્પિટલમાં આરટીપીસીઆર પરીક્ષણ અને આઇસોલેશન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને ડર્યા વગર કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.
કલ્યાણ ડોમ્બિવલી પાલિકાણી હદમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત
કલ્યાણ ડોમ્બિવલીમાં કોરોના કેસના પ્રવેશ બાદ ચકચાર મચી જવા પામી છે. અહીં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક મહિલાનું મોત થયું છે. મહિલાની તબીબી તપાસનો અહેવાલ મળ્યા બાદ પુષ્ટિ થઈ છે કે તે કોરોનાને કારણે મૃત્યુ પામી છે. એમ નગરપાલિકાના તબીબી આરોગ્ય વિભાગના પ્રભારી તબીબી આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. કલ્યાણની ૪૭ વર્ષીય મહિલાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ (COVID-19 Cases) આવ્યો હતો. તેનું કલ્યાણની જ એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. તેના સ્વેબ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા પણ તે જ રાત્રે તેનું મોત થયુ હતું. તેના મૃત્યુ બાદ આવેલા COVID-19 રિપોર્ટમાં તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ટાઇફોઇડ થયા બાદ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ મહિલાને ટાઇફોઇડ થયો હતો. તેને 22 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સ્થાનિક ડૉક્ટર પાસેથી દવા લીધા બાદ પણ તે સાજી થઈ શકી ન હતી ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેનું મૃત્યુ થયું છે. આ મહિલાની ડેડ-બૉડીને તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવી છે. પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી છે કે આ મહિલાને કોવિડ-19 (COVID-19 Cases) થયો હતો અને તેઓએ પોતે કોવિડ-19 ના ધોરણોનું પાલન કરવું.
COVID-19 Cases: કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી દીપા શુક્લાએ જણાવ્યું હતું કે શહેરમાં કુલ ચાર કેસ નોંધાયા છે. આ ચારમાંથી એકનું મૃત્યુ થયું છે. એકને કાલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે. અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે એકને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
સોમવારે થાણેમાં કુલ છ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ ૩૬ દર્દીઓ નોંધાયા હતા. રવિવારે અગિયાર કેસ નોંધાયા હતા. જ્યારે શનિવારે નવ કેસ નોંધાયા હતા અને અગાઉ દસ કેસ નોંધાયા હતા. થાણે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ૩૬ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓ પાંચ દિવસથી હોમ ક્વોરેન્ટાઇન હેઠળ મૂકવામાં આવ્યા છે. કુલ નવ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયત સ્થિર છે. આ નવ દર્દીઓમાંથી બે દર્દીઓને કાલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે સાત દર્દીઓને થાણેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કુલ ૨૩ દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે અને તેમની હાલત સ્થિર છે.
સાવચેત રહો- શું કહ્યું આરોગ્ય વિભાગે?
આરોગ્ય વિભાગે બીમાર વ્યક્તિઓ (COVID-19 Cases) અને સિનિયર સિટીઝન્સને ભીડભાડવાળા સ્થળોએ જવાનું ટાળવાની સલાહ આપી છે. આ લોકોએ જાહેરમાં માસ્કનો ઉપયોગ કરવાનું ભૂલવું ન જોઈએ. આ સાથે જ વારંવાર હાથની સ્વચ્છતા રાખવી. જાહેરમાં થૂંકવાનું ટાળવું અને છીંક ખાતી વખતે રૂમાલનો અવશ્ય ઉપયોગ કરવો.