કોરોનાના કેસમાં વધારો થતાં આવતી કાલથી કોવિડ વૉરરૂમ ફરી થશે ઍક્ટિવ

31 March, 2023 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહામારીના દરદીઓ માટે ક્રમશઃ ચાર હજાર બેડ તૈયાર કરવાનો બીએમસીએ લીધો નિર્ણય

ફાઇલ તસવીર

બીએમસીએ તમામ સરકાર સંચાલિત હૉસ્પિટલોને કોવિડના દરદીઓ માટે બેડ તૈયાર રાખવા જણાવ્યું છે. જો કેસ વધશે તો ખાનગી હૉસ્પિટલોને પણ તૈયાર રહેવાનું કહેવામાં આવશે. બીએમસીએ કોવિડના દરદીઓ માટે ક્રમશઃ ૪,૦૦૦ બેડ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. કોવિડના કેસ વધ્યા છે, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે.’

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. સંજીવકુમારે જણાવ્યું હતું કે ‘અગાઉના અનુભવને જોઈએ તો સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ દરમિયાન કોવિડના કેસોમાં વધારો થાય છે, પરંતુ ગભરાવવાની જરૂર નથી. બીએમસી બધું આયોજન કરી રહી છે.’

બીએમસીના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમારી પાસે કોવિડ બેડ માટેનું સેટ-અપ છે જેનો ઉપયોગ અત્યારે સામાન્ય દરદીઓ કરી રહ્યા છે. અમે હૉસ્પિટલોને કોવિડની સારવાર માટે બેડ રિઝર્વ રાખવાનું કહી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં ૪,૦૦૦ બેડની વ્યવસ્થા કરવાની યોજના બનાવી રહ્યા છીએ. મરોલ ખાતે આવેલી સેવનહિલ્સ હૉસ્પિટલમાં ૧,૭૦૦ બેડની વ્યવસ્થા છે.’

અધિકારીએ જણાવ્યું હતું કે ‘દરદીઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ હૉસ્પિટલમાં દાખલ થનારની સંખ્યા નહીવત્ છે. આ માટે ૪,૦૦૦ બેડ એક જ સમયે રિઝર્વ રાખવાને બદલે ક્રમશઃ અરેન્જ કરવામાં આવશે. આ ઉપરાંત અમે તમામ સરકારી હૉસ્પિટલમાં બેડ રિઝર્વ રાખીશું નહીં. પહેલા તબક્કામાં અમે ત્રણ મોટી હૉસ્પિટલમાં બેડ રિઝર્વ રાખ્યા છે.’

કોવિડના પીક દરમ્યાન બીએમસીએ દરેક વૉર્ડમાં વૉરરૂમ બનાવ્યો હતો. એમાં દરદીઓનાં ઍડ્મિશન અને રૂટીન ફૉલોઅપ કરવામાં આવ્યાં હતાં. બીએમસીએ આ વૉરરૂમને ફરીથી સક્રિય કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે પહેલી એપ્રિલથી વૉરરૂમને ઍક્ટિવ કરવાનો નિર્ણય લીધો છે. અમે મૅનેજમેન્ટ માટે એક એમબીબીએસ ડૉક્ટર અને એક યોગ્ય સામાજિક કાર્યકરની નિયુક્તિ કરીશું.’

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation