જોજો, ક્યાંક ૧,૦૦૦ રૂપિયા બચાવી લેવાના ચક્કરમાં તમારાથી કોઈનો જીવ ન લઈ લેવાય

01 December, 2023 12:00 PM IST  |  Mumbai | Mehul Jethva

કુર્લામાં રૉન્ગ-સાઇડ આવી રહેલી કારને રોકનારા ટ્રાફિક કૉન્સ્ટેબલને ડ્રાઇવરે અડધો કિલોમીટર બૉનેટ પર ઘસડ્યો. હવાલદારને ત્રણ ફ્રૅક્ચર થયાં અને એક સર્જરી પણ કરવી પડી જેને લીધે તે છ મહિના સુધી ચાલી નહીં શકે

પ્રતીકાત્મક તસવીર

કુર્લા ટ્રાફિકનો એક કૉન્સ્ટેબલ રોડ પર રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યો હતો ત્યારે તેણે એક વૅગન-આર કાર રૉન્ગ-વેમાં આવતી જોઈ હતી. તેણે એને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારના ડ્રાઇવરે કારને થોડી સાઇડમાં દબાવીને કાર્યવાહીથી બચવા માટે કૉન્સ્ટેબલની બાજુમાંથી કાર કાઢીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. એ જોઈને ટ્રાફિક કૉન્સ્ટેબલ કારને અટકાવવા જતાં સીધો બૉનેટ પર ચડી ગયો હતો. જોકે નાસી જવાનો પ્રયાસ કરનાર ડ્રાઇવર ટ્રાફિક કૉન્સ્ટેબલને આશરે ૫૦૦ મીટર સુધી બૉનેટ પર ઘસડ્યા બાદ એક બાજુ ફેંકીને ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનામાં ગંભીર ઈજા થવાથી કુર્લા પોલીસે કાર-ડ્રાઇવર સામે હાફ મર્ડરની ફરિયાદ નોંધીને એની તપાસ શરૂ કરી હતી. રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગના ગુનામાં આરોપીઓને ૧,૦૦૦ રૂપિયાનો દંડ થાય છે.

નવી મુંબઈના ઐરોલી સેક્ટર ૨૦-બીના કુલસ્વામીની અપાર્ટમેન્ટમાં રહેતા અને કુર્લા ટ્રાફિક વિભાગ સાથે જોડાયેલા ૪૦ વર્ષના કૉન્સ્ટેબલ લક્ષ્મણ મોઝરે કરેલી ફરિયાદ અનુસાર ૨૯ નવેમ્બરે સવારે રાબેતા મુજબ તે ફરજ પર હાજર થયો હતો. ત્યાર બાદ તેણે એલબીએસ રોડ પર ટ્રાફિકનું નિયમન કરવાનું શરૂ કર્યું હતું. એ સમયે એલબીએસ રોડ પર ડિવાઇડર પાસે સફેદ રંગની વૅગન-આર કાર આવી હતી. એ જગ્યાએ કોઈ યુ-ટર્ન ન હોવા છતાં ડ્રાઇવરે જમણી બાજુએ યુ-ટર્ન લીધો હતો અને ફરી ઘાટકોપર તરફ જવા લાગ્યો હતો. એથી તેને  અટકાવવા કૉન્સ્ટેબલ કારની સામે આવ્યો હતો અને કાર રોકવાનો સંકેત આપ્યો હતો. જોકે ડ્રાઇવરે કાર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. થોડી વાર પછી પોતાની કાર સાઇડમાં લેવાનો ઇશારો મળતાં ફરિયાદી ડાબી બાજુ જઈ રહ્યો હતો ત્યારે કારચાલકે પણ તેની કાર ડાબી બાજુ લીધી હતી. કૉન્સ્ટેબલે તેને વારંવાર કાર રોકવાનો ઇશારો કર્યો હોવા છતાં કારને રોક્યા વગર ડ્રાઇવરે પહેલાં તેની કાર ધીમી ચલાવી હતી અને પછી અચાનક સ્પીડ વધારીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ફરિયાદી કૉન્સ્ટેબલ કારને અટકાવવા જતાં કારના બોનેટ સાથે ઘસડાયા બાદ કારની આગળ પડી ગયો હતો. એ સમયે વાહનચાલકે કાર ફરિયાદી કૉન્સ્ટેબલ પર ચડાવી દીધી હતી, જેને કારણે તેના જમણા પગમાં ફ્રૅક્ચર થયું હતું અને તે જમીન પર પટકાતાં માથાના પાછળના ભાગમાં અને આંગળીઓમાં માર લાગ્યો હતો. એ પછી કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. ફરિયાદીને પહેલાં નૂર હૉસ્પિટલમાં ઇલાજ માટે શિફ્ટ કરવામાં આવ્યો હતો. તેનો એક્સ-રે કાઢીને જમણા પગમાં ફ્રૅક્ચર થયું હોવાની માહિતી આપ્યા બાદ વધુ સારવાર માટે મુલુંડની ફોર્ટીસ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

કૉન્સ્ટેબલ લક્ષ્મણ મોઝરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં હું ફોર્ટિસ હૉસ્પિટલના આઇસીયુમાં ઇલાજ લઈ રહ્યો છું. મારા એક પગમાં ત્રણ ફ્રૅક્ચર આવ્યાં છે. એની સાથે માથાની પાછળની બાજુ અને હાથની આંગળીઓમાં માર લાગ્યો છે. મારા પગની સર્જરી બાદ આશરે છ મહિના પછી હું ચાલી શકીશ એવી શક્યતા છે.’

કુર્લા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સંજય જોરાશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે હત્યાના પ્રયાસ માટેની કલમ કારચાલક સામે નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાં સીસીટીવી કૅમેરા નથી લગાવ્યા. દૂર એક કૅમેરામાં આ ઘટના નોંધાઈ છે, પણ એ ૭૦ ટકા બ્લર છે. હાલમાં અમને કારનો નંબર પણ મળ્યો નથી. જોકે એવું સામે આવ્યું છે કે આ કાર ટી પરમિટ હતી અને સફેદ કલરની વૅગન-આર હતી.’

kurla mumbai traffic police mumbai mumbai news mehul jethva