08 August, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`ખાલિદ કા શિવાજી` ફિલ્મનું પોસ્ટર
મહારાષ્ટ્રમાં ‘ખાલિદ કા શિવાજી’ નામની મરાઠી ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો છે. ટ્રેલર લૉન્ચ થયા પછી, હિન્દુ સંગઠનોએ ફિલ્મની રિલીઝ સામે વિરોધ કર્યો હતો અને પ્રતિબંધની માગ કરી હતી. ફિલ્મનો વિરોધ કરી રહેલા સંગઠનોને મળ્યા બાદ, રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી ઍડવોકેટ આશિષ શેલારે કડક નિવેદન આપ્યું છે. શેલારે કહ્યું કે ઇતિહાસ સાથે છેડછાડ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ફિલ્મ `ખાલિદ કા શિવાજી` અંગે મળેલી ફરિયાદોને ગંભીરતાથી લેતા, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને તાત્કાલિક ફિલ્મની ફરીથી તપાસ કરવા વિનંતી કરી છે. ખાલિદ કા શિવાજી એક મરાઠી ફિલ્મ છે. ફિલ્મ નિર્માતાઓનો દાવો છે કે તે સાચી ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મમાં કેટલાક સંવાદો હિન્દીમાં પણ છે.
હિન્દુ સંગઠમાં ગુસ્સે
‘ખાલિદ કા શિવાજી’ ફિલ્મ પરના વિવાદના એક દિવસ પહેલા, શિવ સમર્થ પ્રતિષ્ઠાનના આયોજક નિલેશ ભીસે સાંસ્કૃતિક મંત્રી એડવોકેટ શેલારને મળ્યા હતા. ત્યારબાદ તેમણે ફિલ્મ સામે ફરિયાદ અને નિવેદન નોંધાવ્યું હતું. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મમાં એવા દ્રશ્યો અને સંવાદો છે જે ઇતિહાસને વિકૃત કરે છે અને લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. હવે શેલારે કહ્યું કે ફિલ્મ સેન્સરશીપ બોર્ડ કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. વહીવટીતંત્રને આ ફિલ્મની પુનઃપરીક્ષા અંગે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
શેલારે મોટા પ્રશ્નો ઉઠાવ્યા
મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલારે કહ્યું કે “જો જરૂર પડશે તો તેઓ સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ સાથે પણ આ અંગે ચર્ચા કરશે. આ ફિલ્મને સેન્ટ્રલ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર કેવી રીતે મળ્યું? શું સ્ક્રીનીંગ કમિટીએ ફિલ્મનો યોગ્ય રીતે અભ્યાસ કર્યો હતો? આ અંગે તપાસ થવી જોઈએ. આ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે કેવી રીતે પસંદ કરવામાં આવી? શું તેમાં કોઈ અનિયમિતતા હતી, તેની પણ તપાસ કરવામાં આવશે. જમણેરી જૂથ સકલ હિન્દુ સમાજે તેનો વિરોધ કર્યો છે. સંગઠને આરોપ લગાવ્યો છે કે તે છત્રપતિ શિવાજી મહારાજના વારસાને વિકૃત કરે છે.”
મહારાષ્ટ્રમાં ગુસ્સો વધી રહ્યો છે
મંત્રી શેલારે કહ્યું કે ઘણી સંસ્થાઓ, સંગઠનો અને ઇતિહાસકારોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજીઓ રજૂ કરી છે. સરકાર આ બધી ફરિયાદોની ગંભીરતાથી તપાસ કરી રહી છે. રાજ્ય સરકારને આ ફિલ્મ સામે મોટી સંખ્યામાં ફરિયાદો અને મેમોરેન્ડમ મળ્યા છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તે છત્રપતિ શિવાજી મહારાજ વિશે ખોટી અને વિકૃત માહિતી આપે છે. ઇતિહાસના વિદ્વાનો અને શિવપ્રેમીઓએ ફિલ્મના ઘણા સંવાદો સામે સખત વાંધો ઉઠાવ્યો છે. મંત્રીના નિર્દેશો પછી, સાંસ્કૃતિક બાબતોના વિભાગના સચિવ ડૉ. કિરણ કુલકર્ણીએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગના સચિવને પત્ર લખીને ફિલ્મની ફરીથી તપાસ કરવા અને આપવામાં આવેલા પ્રમાણપત્ર પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. ફરીથી તપાસ ન થાય ત્યાં સુધી ફિલ્મનું પ્રદર્શન બંધ રાખવું જોઈએ.