04 August, 2026 07:26 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
યુવા કૉન્ગ્રેસના સભ્યોએ ગઈ કાલે નીતિન ગડકરીના ઘરની બહાર કરેલું પ્રદર્શન.
યુવા કૉન્ગ્રેસના સભ્યો સોમવારે એથનૉલ મિિશ્રત પેટ્રોલ (E20)ના મુદ્દે નાગપુરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીના ઘરની બહાર મોરચો લઈ ગયા હતા. જોકે તેઓ ઘરનો ઘેરાવ કરે એ પહેલાં જ પોલીસ દ્વારા તેમને રોકી દેવાયા હતા તથા અમુક લોકોની અટક પણ કરવામાં આવી હતી. મોરચાને ધ્યાનમાં રાખતાં પોલીસ દ્વારા નીતિન ગડકરીના ઘરની બહાર ચુસ્ત પોલીસબંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને બૅરિકેડ્સ પણ મૂકી દેવાયાં હતાં. E20 ફ્યુઅલ ઉપયોગમાં લેવા યોગ્ય ન હોવાના મુદ્દે આ મોરચો કાઢવામાં આવ્યો હતો.
કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે સોમવારે જણાવ્યું હતું કે ‘ગડકરી એવા દાવા કરે છે કે વર્ષો સુધી વૈજ્ઞાનિક પરીક્ષણ કર્યા બાદ E20 પેટ્રોલને લાવવામાં આવ્યું છે, પરંતુ અેના કારણે વાહનો પર શું અસર થાય છે અેનો કોઈ પણ પુરાવો નથી. વાહનોનો ઉપયોગ કરનારા અને આખા દેશના મેકૅનિક એન્જિનના પર્ફોર્મન્સ પર અને અન્ય સમસ્યાઓ ઉદ્ભવતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ પેટ્રોલના કારણે માઇલેજ પણ ઓછું થયું છે. આ ઉપરાંત અનેક સમસ્યાઓ વાહનોમાં E20 પેટ્રોલના કારણે થઈ રહી છે.’