બારામતીની પેટાચૂંટણીમાંથી કૉન્ગ્રેસે પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો

10 April, 2026 09:31 AM IST  |  Baramati | Gujarati Mid-day Correspondent

હર્ષવર્ધન સપકાળે કહ્યું કે આના માટે રોહિત પવાર, શરદ પવાર અને સુપ્રિયા સુળેએ વિનંતી કરી હતી

હર્ષવર્ધન સપકાળે

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નિધન બાદ ખાલી પડેલી બારામતી વિધાનસભાની બેઠક માટે ૨૩ એપ્રિલે પેટાચૂટંણી થવાની છે. અજિત પવારનાં પત્ની અને હાલના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં વડાં સુનેત્રા પવારે એ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. સ્વ. અજિત પવારનાં પત્ની હોવાથી એક સંવેદનારૂપે તેઓ બિનવિરોધ ચૂંટાઈ આવે એ માટે પ્રયાસ થઈ રહ્યા છે. જોકે કૉન્ગ્રેસ તરફથી આકાશ મોરેએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ગઈ કાલે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે મહારાષ્ટ્રના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળેના કહેવાથી આકાશ મોરેએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. 

આ બાબતે હર્ષવર્ધન સપકાળે ગઈ કાલે પત્રકાર-પરિષદ લઈને કહ્યું હતું કે ‘બારામતી જ નહીં, દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાની ભૂમિકા કૉન્ગ્રેસે લીધી છે એટલે વૈચારિક ભૂમિકાના આધારે બારામતીમાંથી પણ કૉન્ગ્રેસના ઉમેદવાર આકાશ મોરેએ ફૉર્મ ભર્યું હતું. કુલ છ ફૉર્મ ભરાયાં હતાં. એ પછી NCP (SP)ના વિધાનસભ્ય રોહિત પવારે ગઈ કાલે વહેલી સવારે જ મને આ ચૂંટણી સુનેત્રા પવારના પક્ષમાં બિનવિરોધ થાય એ માટે વિનંતી કરી હતી. અજિત પવારના સંદર્ભે સહકાર આપો એમ તેમણે કહ્યું હતું. વધુમાં શરદ પવાર અને સુપ્રિયા સુળેએ પણ આ બાબતે વિનંતી કરીને સૂચન આપ્યું હતું. એ પછી કૉન્ગ્રેસના બધા જ નેતૃત્વ સાથે ચર્ચા કરવામાં આવી અને માત્ર સંસ્કૃતિ અને સંવેદનાને ધ્યાનમાં રાખીને આ પેટાચૂંટણીમાંથી અમે ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.’

ફડણવીસના વિનંતીભર્યા ફોન સાથે આ નિર્ણયને કંઈ લાગતુંવળગતું નથી
હર્ષવર્ધન સપકાળે એમ પણ કહ્યું હતું કે ‘ચૂંટણી બિનવિરોધ થાય એ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો પણ વિનંતી કરતો ફોન આવ્યો હતો. જોકે તેમના ફોન અને આ નિર્ણયને કશું લાગતુંવળગતું નથી.’

રાહુરીમાં રસાકસી થશે
અહમદનગર જિલ્લાના રાહુરીના વિધાનસભ્ય શિવાજીરાવ કર્ડિલેનું અવસાન થવાને કારણે ખાલી પડેલી એ બેઠક પર પણ ૨૩ એપ્રિલે પેટાચૂંટણી થવાની છે. એ માટે હવે કુલ ૭ ઉમેદવારો વચ્ચે રસ્સીખેંચ થવાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ શિવાજીરાવ કર્ડિલેના દીકરા અક્ષય કર્ડિલેને ટિકિટ આપી છે. સામે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના ગોવિંદ મોકાટે અને વંચિત બહુજન આઘાડીના સંતોષ ચોળકે તથા ૪ અપક્ષ છે.

mumbai news mumbai baramati maharashtra news maharashtra congress nationalist congress party sunetra pawar