31 July, 2025 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં હર્ષવર્ધન સપકાળ અને પૃથ્વીરાજ ચવાણ.
કૉર્પોરેશનની ચૂંટણી અગાઉ કૉન્ગ્રેસમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી (MPCC)ની કાર્યક્ષમતા વધારવા માટે પૉલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની સ્થાપના કરવામાં આવી છે. ૩૬ સભ્યોની બનેલી આ કમિટી MPCC માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેશે અને આગામી ચૂંટણીમાં રણનીતિ ઘડવાનું કામ કરશે. ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટી (AICC)ના મહારાષ્ટ્રના ઇન-ચાર્જ રમેશ ચેન્નિથલા PACના ચૅરમૅનપદે નિયુક્ત થયા છે તેમ જ અનેક વરિષ્ઠ નેતાઓને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદે અને પૃથ્વીરાજ ચવાણ, મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ અને સંસદસભ્ય વર્ષા ગાયકવાડ સહિત અનેક વરિષ્ઠ નેતાઓની PACના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હર્ષવર્ધન સપકાળ સ્ટેટ યુનિટ ચીફ તરીકે નિયુક્ત થયાના પાંચ મહિનામાં જ મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી (MPCC)માં પણ ૩૮૭ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. કમિટીમાં ૩૬ સભ્યો PACના રહેશે, ૧૬ સિનિયર વાઇસ પ્રેસિડન્ટ્સ અને ૩૮ વાઇસ પ્રેસિડન્ટ્સ, પાંચ વરિષ્ઠ પ્રવક્તા, ૧૦૮ જનરલ સેક્રેટરી, ૯૫ સેક્રેટરી અને ૮૭ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ તરીકે નિયુક્ત થયા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ દેશમુખ પહેલી વાર વરિષ્ઠ પ્રવક્તા તરીકે નિયુક્ત થયા છે.
આ ઉપરાંત ૮૭ સભ્યોની કાર્યકારી સમિતિની પણ રચના કરવામાં આવી છે જે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ પક્ષના કાર્યક્રમો, આંદોલનો અને અન્ય કાર્યક્રમોનું સંચાલન કરશે.