૧ વર્ષમાં ૧ કરોડના બે કરોડ મેળવવાની લાલચ ભારે પડી

10 May, 2024 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધંધો વધારવા પૈસાની જરૂર હોવાથી લોભામણી સ્કીમના લપેટામાં આવી જઈને ગુજરાતી વેપારીએ મુદ્દલ ગુમાવી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગિરગાવમાં સ્ટીલનો ધંધો કરતા વેપારીને એક વર્ષમાં એક કરોડના ઇન્વેસ્ટમેન્ટ સામે બે કરોડ રૂપિયા આપવાનું કહીને તેમની સાથે છેતરપિંડી કરનાર ચાર આરોપીઓ સામે મંગળવારે ફરિયાદ નોંધાતાં બાંગુરનગર પોલીસે ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી છે.

પૈસા ગુમાવનાર વેપારી અતુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ખેતવાડીમાં સ્ટેનલેસ સ્ટીલના પાઇપ અને સળિયાનો શ્રી સ્ટીલ ઇમ્પેક્સના નામે બિઝનેસ છે. કોરોના વખતે તકલીફ થઈ હતી અને મારે એક્સપાન્શન કરવું હતું પણ જોઈતી રકમ નહોતી. એ પછી મારા એક ઓળખીતાએ મને ગોરેગામના મૉલમાં આવેલી આંગડિયા-કમ-ઇન્વેસ્ટમેન્ટ કંપની પી. ઈશ્વરનું​ પૅમ્ફલેટ આપ્યું હતું જેમાં એક વર્ષમાં રકમ ડબલ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. એટલે હું અને મારો પાર્ટનર વર્ધાજી મૉલમાં જઈને તેમને મળ્યા હતા. પી. ઈશ્વર કંપનીના રાહુલ ગાયકવાડ, રવિ સુર્વે, સંદીપ પાટીલ અને સંજીવ શર્માએ રીતસરનું ઍગ્રીમેન્ટ બનાવ્યું હતું અને ત્યાર બાદ અમે તેમને એક કરોડ રૂપિયા કૅશ આપ્યા હતા. મને લાગ્યું કે જો એક વર્ષ પછી બે કરોડ રૂપિયા મળશે તો એમાંથી ધંધાનું એક્સપાન્શન સારી રીતે થઈ શકશે.’

એ લોકોએ ભાડેથી ઑફિસ રાખી હતી એમ જણાવતાં અતુલ શાહે કહ્યું હતું કે ‘અમારી જેમ બીજાઓને પણ છેતર્યા હોવાની અમને જાણ થઈ છે. પુણેમાં પણ તેમણે આવી જ સ્કીમ શરૂ કરીને અનેક લોકોને છેતર્યા છે. હું પાંચ-છ વખત તેમને મળ્યો હતો. તેમની ઑફિસમાં જ અમે ઇન્વેસ્ટમેન્ટ માટેનું ઍગ્રીમેન્ટ સાઇન કર્યું હતું. એ લોકો આંગડિયા-કમ-ફાઇનૅન્સ કંપની ચલાવતા હતા. એક વર્ષ બાદ જ્યારે અમે રોકાણ પરના નફાની માગણી કરી ત્યારે પહેલાં તો આરોપીઓએ થોડો વધુ સમય માગ્યો અને એ પછી અનેક બહાનાં કાઢતા રહ્યા. નફો તો ન આપ્યો, રોકાણની મૂળ રકમ પણ પાછી ન આપી. આ બધામાં સમય વીતી ગયો અને આખરે અમારી સાથે છેતરપિંડી થઈ છે એવી ખાતરી થતાં અમે મંગળવારે બાંગુરનગર પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બાંગુરનગર પોલીસ ગુનો નોંધીને તેમની શોધખોળ કરી રહી છે.’  

mumbai news mumbai girgaon Crime News gujaratis of mumbai