12 October, 2025 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની તારીખો હવે ગમે ત્યારે જાહેર થઈ શકે એમ છે ત્યારે સર્વપક્ષીય પ્રતિનિધમંડળ રાજ્યના ચીફ ઇલેક્શન ઑફિસર એસ. ચોકલિંગમની મુલાકાત લેવાનું છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને એ પ્રતિનિધિમંડળમાં સામેલ થવા જણાવ્યું છે.
સંજય રાઉતે એ પત્રમાં દેવેન્દ્ર ફડણવીસને ઉદ્દેશીને લખ્યું છે કે ‘મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં જાહેર થવાની છે જેમાં જિલ્લા પરિષદો, નગરપાલિકા અને રાજ્યની મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. બહુ જ મહત્ત્વની એવી આ ચૂંટણીઓની યંત્રણા અને પ્રોસેસ પર કોઈ શંકા ન રહેવી જોઈએ. ચૂંટણી પારદર્શક, નિષ્પક્ષ અને બંધારણનું પૂર્ણ પાલન કરીને થાય એવી રાજ્યના મુખ્ય રાજકીય પક્ષોની માગણી છે. હાલની ચૂંટણી-પ્રોસેસ બાબતે ચોક્કસ શંકા છે એટલે એ માટે ચર્ચા કરવા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ૧૪ ઑક્ટોબરે બપોરે ૧૨.૩૦ વાગ્યે રાજ્યના મુખ્ય ચૂંટણી ઑફિસર એસ. ચોકલિંગમને મળવા જવાનું છે. આ પ્રતિનિધિમંડળમાં સામેલ થવા શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, હર્ષવર્ધન સપકાળ અને અન્ય પક્ષોના પ્રમુખોને જણાવવામાં આવ્યું છે અને તેમણે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ પ્રતિનિધિમંડળમાં તમે જાતે સામેલ થઈને પ્રતિનિધિમંડળની શોભા વધારો. આ મુલાકાત પાછળ કોઈ પણ રાજકીય હેતુ નથી, પણ લોકશાહી મજબૂત થાય અને ચૂંટણી-પ્રોસેસ પરનો વિશ્વાસ વધારે દૃઢ થાય એ જ છે.’