12 February, 2026 05:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
અજિત પવારના પ્લેન-ક્રૅશને દુર્ઘટના ગણવી કે કાવતરું એ બાબતે અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. મંગળવારે અજિત પવારના ભત્રીજા રોહિત પવારે પ્રેસ-કૉન્ફરન્સમાં અનેક દાવા કર્યા હતા અને આ કેસ સાથે જોડાયેલા અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે ‘અજિત પવારના પ્લેન-ક્રૅશના કેસમાં ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા મહત્ત્વપૂર્ણ તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી જ નિષ્કર્ષ કાઢવામાં આવશે.’
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે પ્લેનનું બ્લૅક બૉક્સ મળી ગયું છે અને તમામ મોરચે તપાસ શરૂ થઈ ગઈ છે. આ ઘટનાની DGCA દ્વારા થઈ રહેલી તપાસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવતાં દેવેન્દ્ર ફડણવીસે એનાં તારણો સુધી રાહ જોવાની અપીલ કરી હતી.
૨૮ જાન્યુઆરીએ બારામતી ઍરસ્ટ્રિપ નજીક લિયરજેટ વિમાન ક્રૅશ થયું ત્યારે અજિત પવાર અને અન્ય ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ ગઈ કાલે રોહિત પવારે દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન વધુ મુદ્દા ઉઠાવ્યા હતા. અજિત પવારનો મૃતદેહ ફૂલેલો લાગતો હોવાથી પ્લેન-ક્રૅશ એ અકસ્માત નહીં પણ સુનિયોજિત કાવતરું જ હશે એવો દાવો પણ તેમણે કર્યો હતો.
આ મામલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મેં રોહિત પવારે શું કહ્યું એ જોયું નથી, પણ મને જે થોડી ખબર છે એ મુજબ મારું માનવું છે કે જો કોઈને કોઈ શંકા હોય તો એનો ઉકેલ લાવવો જોઈએ. અજિત પવાર, પાઇલટ, કો-પાઇલટ અને બે અન્ય લોકોના જીવ લેનારા અકસ્માતની વિગતવાર તપાસ માટે DGCAને પત્ર સૌથી પહેલાં મેં જ લખ્યો હતો. એજન્સી દ્વારા તપાસ ચાલુ છે એટલે રિપોર્ટની રાહ જોવી જરૂરી છે.’