02 July, 2025 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભુલેશ્વરમાં સુરતી રેસ્ટોરાં નજીક આવેલા ફોફલવાડી બિલ્ડિંગમાં પી. ઉમેશ આંગડિયાની પેઢીમાં સાફસફાઈનું કામ કરતો પંચાવન વર્ષનો નારાયણ કુંભેકર શનિવારે ૨૫ લાખ રૂપિયાની રોકડ લઈને નાસી ગયો હોવાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. ૨૭ જૂને ત્રણ પાર્સલમાં પાર્ટીને ડિલિવરી કરવાના લાખો રૂપિયા આંગડિયાની પેઢીમાં રાખવામાં આવ્યા હતા. ૨૮ જૂને નારાયણ ઑફિસની સાફસફાઈ દરમ્યાન એક પાર્સલમાં રાખેલા ૨૫ લાખ રૂપિયા બૅગમાં ભરીને લઈ ગયો હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે આરોપી નારાયણને શોધવા માટે બે ટીમ બનાવી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ જૉઇન્ટ તપાસ કરવામાં આવી રહી છે.
પી. ઉમેશ આંગડિયા પેઢીના મૅનેજર મૌલિક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષથી નારાયણ અમારી ઑફિસમાં સાફસફાઈનું કામ કરતો હતો. ૨૭ જૂને અમારા લાકડાના કબાટમાં ૩ અલગ-અલગ પાર્સલમાં પૈસા રાખવામાં આવ્યા હતા. દરમ્યાન ૨૮ જૂને કબાટમાં રાખેલાં પાર્સલ તપાસતાં ત્રણમાંથી એક પાર્સલ ઓછું મળી આવ્યું હતું. એને ઑફિસમાં શોધતાં એ મળ્યું નહોતું. આ સમયે ઑફિસમાં કામ કરતો નારાયણ પણ ઑફિસમાંથી ગાયબ થયો હતો એટલે અમને તેના પર શંકા આવી હતી. વધુ તપાસ કરવા અમે ઑફિસમાં લગાવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં જેમાં ૨૭ જૂને સવારે સાડાનવ વાગ્યે ઑફિસમાં કોઈ નહોતું ત્યારે નારાયણ એક બૅગ બહાર લઈ જતો જોવા મળ્યો હતો. એટલે અમને ખાતરી થઈ હતી કે તેણે જ પૈસાની ચોરી કરી છે. અંતે આ મામલાની અમે એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
આરોપીનો ફોન બંધ : પોલીસ
એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન તડાખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આંગડિયાના પૈસા લઈને નાસી જનાર નોકરની અમે શોધ ચલાવી રહ્યા છીએ. આરોપીએ ચોરીને અંજામ દીધા બાદ પોતાનો ફોન પણ સતત બંધ રાખ્યો છે એટલે તેને ટ્રેસ કરવો મુશ્કેલ થઈ રહ્યું છે. આરોપી રહેતો પણ આંગડિયાની ઑફિસમાં જ હતો એટલે તેના ઘરનું પણ ઍડ્રેસ અમને નથી મળ્યું શક્યું. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’