19 January, 2026 07:20 AM IST | Switzerland | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં હાજરી આપવા રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગયા છે. તેમની સાથેના પ્રતિનિધિમંડળમાં રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંત અને અન્ય અધિકારીઓનો સમાવેશ છે.
આ બાબતે સોશ્યલ મીડિયા પર માહિતી આપતાં દેવેન્દ્ર ફડણવીસે પોસ્ટમાં લખ્યું હતું કે ‘રાજ્યની જનતાના આશીર્વાદ સાથે દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ 2026માં હાજરી આપવા જઈ રહ્યો છું. વિશ્વસ્તરે મૅગ્નેટિક મહારાષ્ટ્રના ગ્રોથ એન્જિનને મૂકવાનું લક્ષ્ય છે.’
દાવોસમાં દર વર્ષે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ યોજાય છે જેમાં વિશ્વસ્તરે વિશ્વાસ આધારિત પ્રતિબદ્ધતા, ચર્ચાસત્રો અને લોકો એટલે કે રોકાણકારો સાથે સંવાદ સાધીને રોકાણ અને ઇકૉનૉમિક કો-ઑપરેશનને પ્લૅટફૉર્મ પૂરું પાડવામાં આવે છે. ભારતમાં વધુ ને વધુ વિદેશી કંપીનીઓ રોકાણ કરે એ માટે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડ દ્વારા એમાં ભાગ લેવામાં આવ્યો છે. એમાં કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને ત્યાંના ઇન્ડિયા પૅવિલિયનની જવાબદારી સોંપી નોડલ એજન્સી બનાવવામાં આવી છે. મહારાષ્ટ્ર એમાં ભાગ લઈ રહ્યું છે. ગયા વર્ષે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ દાવોસ ગયા હતા ત્યારે તેમણે ૧૫.૭ લાખ કરોડના કુલ રોકાણનું કમિટમેન્ટ આપ્યું હતું અને ડોમેસ્ટિક અને ફૉરેન ઇન્વેસ્ટર મળીને ૫૪ મેમોરન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) સાઇન કર્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે જાળવ્યું દેશાભિમાન
ઝ્યુરિક ઍરપોર્ટ પર ત્યાં રહેતા અનેક ઇન્ડિયન દેવેન્દ્ર ફડણવીસના સ્વાગત માટે પહોંચ્યા હતા. એ વખતે એક યુવાને તેમની સાથે સેલ્ફી લેવાનું કહેતાં દેવેન્દ્ર ફડણવીસ તૈયાર થયા હતા. એ યુવાનના એક હાથમાં તિરંગો હતો અને બીજા હાથે તેણે મોબાઇલમાં સેલ્ફી લેવા બીજી તરફ જોઈને મોબાઇલનો કૅમેરા ઍડ્જસ્ટ કર્યો હતો. એ વખતે યુવકના ધ્યાન બહાર હાથમાંનો તિરંગો નીચેની તરફ ઝૂકી રહ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસની નજરમાં તરત જ આ વાત આવી જતાં તેમણે યુવાનનો હાથ ઊંચો કરી તિરંગો નીચે થતો અટકાવ્યો હતો અને સમયસૂચકતા વાપરીને દેશાભિમાનનું સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઝ્યુરિકમાં તિલક લગાવી આરતી ઉતારીને થયું પરંપરાગત સ્વાગત
સ્વિટ્ઝરલૅન્ડના ઝ્યુરિક ઍરપોર્ટ પર ઊતર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસનું ત્યાંની ઇન્ડિયન કમ્યુનિટીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મહારાષ્ટ્રિયન પદ્ધતિની નવવારી સાડી અને શણગાર સજીને આવેલી મહિલાઓએ તેમને તિલક કરીને પરંપરાગત રીતે આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું. અનેક નાના-મોટા ભારતીયોએ તેમની સાથે
સેલ્ફી લીધો હતો.