24 March, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોઇસરમાં તારાપુર MIDCમાં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં કેમિકલ લીકેજ થતાં બાવીસ કામદારોને અસર થઈ હતી. આંખમાં બળતરા અને ગૂંગળામણ થવાને કારણે તમામ કામદારોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
રવિવારે બપોરે ૧.૪૫ વાગ્યે ટૅન્કરમાં ડાયમિથાઇલ સલ્ફેટ ટ્રાન્સફર કરતી વખતે આ ઘટના બની હતી. ટૅન્કરની વેન્ટ લાઇનમાંથી થોડું કેમિકલ ઓવરફ્લો થઈ ગયું અને જમીન પર ઢોળાઈ ગયું હતું. ત્યાર બાદ કેમિકલને વિશુદ્ધ કરવાની પ્રક્રિયા દરમ્યાન ધુમાડો થતાં કામદારોને અસર થઈ હતી. ડાયમિથાઇલ સલ્ફેટના ગુણધર્મોને કારણે કામદારોને આંખોમાં બળતરા થઈ હતી અને અમુકને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. શરૂઆતમાં કામદારોને યુનિટમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા, પછી લક્ષણો ચાલુ રહેતાં સાંજે ૭ વાગ્યે હૉસ્પિટલમાં ખસેડાયા હતા. બધા જ અસરગ્રસ્તોની તબિયત સારી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
જુહુ-કોલીવાડામાં મામૂલી બાબતે ઝઘડો થતાં ૧૬ વર્ષના ટીનેજરની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં બીજા એક ટીનેજરને ઈજા થઈ હતી. રવિવારે રાતે જુહુ-કોલીવાડામાં બનેલી આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ સામાન્ય દલીલ થયા બાદ આરોપીએ ટીનેજર્સ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. એને લીધે એકનું મૃત્યુ થયું હતું અને બીજા ટીનેજરને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીને શોધવા માટે પોલીસે તપાસ-ટીમો રવાના કરી છે.