ચેમ્બુરના ૨૯ વર્ષના ગુજરાતી યુવાને શું કામ સુસાઇડ કર્યું?

06 September, 2023 09:00 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

પરિવારજનો પણ એનું કારણ શોધી રહ્યા છે : ઇવેન્ટ્સનું કામ કરતો હોવાથી ત્રણ જણ મળવા આવ્યા બાદ ગળે ફાંસો ખાઈને જીવ આપ્યો

ચેમ્બુરનો અંકિત વાઘેલા

ચેમ્બુર-ઈસ્ટમાં સંતોષી મંદિર પાસે મમ્મી સાથે રહેતા અને મહાકાલ ઇવેન્ટ્સ નામની ઇવેન્ટ કંપની ધરાવતા ૨૯ વર્ષના અંકિત વાઘેલાએ ઘરે કોઈ નહોતું ત્યારે ગળેફાંસો ખાઈને શનિવારે જીવ આપ્યો હતો. કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ કે અન્ય કોઈ તકલીફ ન હોવા છતાં યુવાન દીકરાએ સુસાઇડ જેવું પગલું કેમ ભર્યું એ પ્રશ્નનો જવાબ પરિવારજનો શોધી રહ્યા છે. અંકિતે લીધેલા અંતિમ પગલા પહેલાં તેને ઇવેન્ટ કંપનીમાં કામ કરતા લોકો મળવા આવ્યા હતા. હાલમાં ચેમ્બુર પોલીસે ઍક્સિડેન્ટલ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે અંકિતના અંતિમ પગલા પહેલાં કંઈક તો એવું થયું છે જેને કારણે તેણે આ પગલું લેવા પર મજબૂર થવું પડ્યું હતું.  

અંકિત છેલ્લાં ચારેક વર્ષથી મહાકાલ ઇવેન્ટ્સ નામની કંપની દ્વારા ઇવેન્ટ્સ સંબંધી કામ કરતો હતો. કૅટરર્સ, કાર્યક્રમમાં મૅનેજમેન્ટ કરવા, લગ્નની આખી ઇવેન્ટમાં અને કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં તે સ્ટાફ મોકલતો હતો. અંકિતે અત્યાર સુધીમાં પાર્ટનર સાથે મળીને ૩૦૦થી વધુ ઇવેન્ટ્સ કરી છે. તેના કામને લઈને તેની અનેક યુવકો-યુવતીઓ સાથે ઓળખાણ હતી એમ કહેતાં અંધેરીમાં રહેતા અંકિતના મોટા ભાઈ રિતેશ વાઘેલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અંકિતના કામમાં પેમેન્ટ આવતાં વહેલું-મોડું થતું હતું. કોઈ પણ પાર્ટી કામ પછી બધું પેમેન્ટ તરત કરતી હોતી નથી. એને કારણે સ્ટાફના પેમેન્ટમાં પણ આગળ-પાછળ થતું હતું. ઘણા લોકોને ‌તેણે ફિક્સ પણ રાખ્યા હતા. તેઓ અંકિત પાસે ઘણા સમયથી કામ કરતા હતા. જોકે અંકિતને ત્યાં કામ કરતાં એક છોકરો-છોકરી અને અન્ય એક છોકરો અંકિતના સુસાઇડ પહેલાં ઘરે આવ્યાં હતાં. તેમની પાસેથી અંકિતે પૈસા લીધા હતા એવું તેઓ કહે છે. સુસાઇડ પહેલાં આ ત્રણે જણ ઘરે ગયાં હતાં અને અંકિત સાથે ઝઘડો કરીને અપશબ્દો બોલ્યાં હતાં, જે આસપાસના રહેવાસીઓએ પણ સાંભળ્યું હતું.’

ઘરે કોઈ નહોતું ત્યારે આ બનાવ બન્યો હતો એમ જણાવીને રિતેશ વાઘેલાએ કહ્યું હતું કે ‘મમ્મી અને હું મારા મોટા પપ્પાની અંતિમયાત્રામાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો. મમ્મી ઘરે ગઈ ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો પડ્યો હતો અને અંકિત પંખા પર લટકતો હતો. પેલા ત્રણે જણ અંકિત સાથે ઝઘડીને અને અપશબ્દો બોલીને નીચે જ ઊભા હતા. મમ્મી ભાગીને બહાર આવી હતી અને આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા હતા. એ વખતે આ ત્રણે જણને મમ્મીએ જોતાં તેમને ત્યાંથી ભગાવી દીધા હતા. અંકિત ખૂબ નીડર હતો. તે ક્યારેય સુસાઇડ જેવું પગલું ભરે એમ નહોતો. એટલા સમયમાં એવું તો શું થયું કે અં‌કિતે આવું પગલું લીધું? એથી આ કેસની પોલીસ ઝીણવટભરી તપાસ કરે અને અમારી ફરિયાદનો એફઆઇઆર નોંધે એવી અમારી માગણી છે. અમે પણ બધે એ જ તપાસ કરી રહ્યા છીએ કે તેણે સુસાઇડ કર્યું એનું ખરું શું કારણ છે.’

chembur suicide mumbai mumbai news