12 September, 2026 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના ચેમ્બુરમાં આવેલા પંજ્રાપોળ વિસ્તારમાં લગભગ 20 બિલાડીઓ અને એક બિલાડીના બચ્ચાનો મૃતદેહ મળી આવવાના મામલે RCF પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા આ વિસ્તારમાં રખડતી બિલાડીઓના મૃતદેહો મળી આવતા સ્થાનિક રહેવાસીઓ અને પ્રાણી પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. 53 વર્ષીય રૂબીના પઠાણે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે 7 સપ્ટેમ્બર, 2026ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ શરૂ થયા બાદ પોલીસે જરૂરી માહિતી એકત્ર કરી અને આરોપીની ધરપકડ કરી છે.
રૂબીના પઠાણને શંકા હતી કે કોઈ જાણીજોઈને બિલાડીઓને નિશાન બનાવી રહ્યું છે. આથી, તેમણે PETA ઇન્ડિયા. અન્ય પ્રાણી પ્રેમીઓનો અને સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો. મળેલી સલાહ મુજબ, મૃત બિલાડીઓ અને બચ્ચાના મૃતદેહોને તપાસ અને પોસ્ટમોર્ટમ માટે પરેલની એક એનિમલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પ્રાણી પ્રેમી પૂજા શ્રીવાસ્તવની મદદથી રૂબીનાએ પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટૅકનિકલ અને ફૉરેન્સિક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઘટનાસ્થળેથી `પંચનામું` અને અન્ય જરૂરી પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. જોકે, કેસની સંપૂર્ણ વિગતો અને બિલાડીઓના મૃત્યુના ચોક્કસ કારણ અંગેની તપાસ હજી ચાલુ છે. DCP (ઝોન 6) સમીર શેખે જણાવ્યું હતું કે પોલીસ આ ઘટના પાછળનો ઈરાદો જાણવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે કે આ મામલામાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ હતી કે કેમ. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી, પ્રાણી અધિકાર સંગઠન PETA ઇન્ડિયાએ દખલ કરી અને સ્થાનિક કાર્યકર રૂબીના પઠાણને મદદ કરી. તેમની મદદથી, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 325 અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ RCF પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી. પોલીસ આ જઘન્ય ગુના માટે જવાબદાર વ્યક્તિ અથવા ગૅન્ગને ઓળખવા માટે નજીકના કૅમેરામાંથી CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરી હતી. આરોપીની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે રૂ. 50,000 નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
પોલીસ હવે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને વધુ તપાસ માટે તેની કસ્ટડીની માગણી કરી શકે છે. પોલીસ ગુનાના સ્થળને લગતા તમામ પુરાવા અને ટૅકનિકલ ડેટાની તપાસ કરી રહી છે. બિલાડીઓ અને બિલાડીના બચ્ચાના મૃત્યુ સંબંધી સંજોગો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને પ્રાણી પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે મૂંગા પ્રાણીઓ પર ક્રૂરતા આચરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.