રસોઇયાનું નિવેદન અને વેબ સર્ચ હિસ્ટરી : કાજલ, હિતેશનાં કરતૂત પ્રૂવ કરવા પોલીસ પાસે બે જ છે રસ્તા

04 March, 2023 07:35 AM IST  |  Mumbai | Faizan Khan

જૈન પોઇઝન મેળવવા માટે ૨૦ જુલાઈએ વૉટ્સઍપ દ્વારા ડીલર્સના સંપર્કમાં હતો એથી તે સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે કે બન્નેએ સરલાદેવીને ઝેર આપ્યું હતું, કારણ કે તેમનું ઑગસ્ટમાં મૃત્યુ થયું હતું.

સરલાદેવી શાહ

મુંબઈ : કમલકાંત શાહની મમ્મી સરલાદેવીની હત્યા સંબંધે કમલકાંતની પત્ની કવિતા ઉર્ફે કાજલ શાહ તેમ જ તેના પ્રેમી હિતેશ જૈન સામે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૯ પાસે કોઈ ફિઝિકલ પુરાવા ન હોવાથી પોલીસે રસોઇયાના નિવેદન તથા આર્સેનિક અને થેલિયમની વેબ સર્ચની હિસ્ટરી અને પરચેઝ ઑર્ડર પર જ હત્યાનો ગુનો પુરવાર કરવા માટે મદાર રાખવો પડશે.

ત્યાર બાદ બન્નેએ કાજલના પતિ કમલકાંત શાહની પણ એ જ રીતે હત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. કમલકાંત અને તેની માતા સરલાદેવી શાહ બન્નેનાં મૃત્યુ ગયા વર્ષે એક મહિનામાં જ થયાં હતાં.

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર જૈનની વેબ સર્ચ હિસ્ટરી દર્શાવે છે કે તે જુલાઈ ૨૦૨૨થી અલગ-અલગ ડીલર પાસેથી આર્સેનિક અને થેલિયમ મેળવતો હતો. તેણે આર્સેનિક વિશે ૧૦૫ વખત અને થેલિયમ વિશે ૧૫૬ વખત સર્ચ કર્યું હતું.

જૈન પોઇઝન મેળવવા માટે ૨૦ જુલાઈએ વૉટ્સઍપ દ્વારા ડીલર્સના સંપર્કમાં હતો એથી તે સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે કે બન્નેએ સરલાદેવીને ઝેર આપ્યું હતું, કારણ કે તેમનું ઑગસ્ટમાં મૃત્યુ થયું હતું.

૨૦ જુલાઈએ એક ડીલર સાથેની ચૅટમાં જૈને કહ્યું કે તેને તાત્કાલિક આર્સેનિકની જરૂર છે અને તે ટેસ્ટિંગ માટે પહેલાં ૧૦૦ ગ્રામ ખરીદશે. પોલીસે જણાવ્યું કે જૈને યુરોપિયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ્સ અને સોલ્યુબિલિટી રિપોર્ટ પણ માગ્યાં હતાં. ત્યાર બાદ તેણે ડીલરને કહ્યું કે તે પછીથી જથ્થાબંધ ખરીદી કરશે, પરંતુ ડીલરે તેને કહ્યું કે આર્સેનિકનો મિનિમમ પરચેઝ ઑર્ડર ૫૦૦ ગ્રામ હોવો જોઈએ અને તે એ માટે સંમત થયો હતો.

આરોપી કવિતા ઉર્ફે કાજલ શાહના પતિ કમલકાંત શાહની હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પાસે ખૂબ મજબૂત પુરાવા છે. એમાં મેટલ બ્લડ રિપોર્ટ, ઑટૉપ્સી અને આર્સેનિક તથા થેલિયમના હાઈ લેવલને કારણે મૃત્યુની પુષ્ટિ કરતા ફૉરેન્સિક રિપોર્ટનો સમાવેશ થાય છે, પરંતુ માતા સરલાદેવીના કિસ્સામાં પોલીસ પાસે એ રિપોર્ટ નહોતા, કારણ કે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમ્યાન ઘટનાઓના હિસાબે મજબૂત પુરાવા મળ્યા અને પોલીસે ડબલ મર્ડર કેસ તરીકે ચાર્જશીટ દાખલ કરી.

આ કેસમાં કમલકાંત શાહના રસોઇયાનું નિવેદન ખૂબ મહત્ત્વનું હતું, જેમાં તેણે કહ્યું કે જ્યારે કાજલ ઘરે પાછી ફરતી ત્યારે તે ફક્ત તેને માટે અને તેની પુત્રી માટે જ રસોઈ કરતી હતી અને શાહની માતા અન્ય લોકો માટે રસોઈ બનાવતી હતી, પરંતુ બાદમાં કાજલે જ કિચનનો કન્ટ્રોલ મેળવી લીધો હતો. જ્યારે પણ તે રસોઈ બનાવતી ત્યારે તે કુકને રસોડામાંથી બહાર જઈને કંઈક બીજું કામ કરવા કહેતી.

રસોઇયાએ તેના નિવેદનમાં જણાવ્યું કે ‘હું માતા (સરલાદેવી) માટેના પૉટમાં હૂંફાળું પાણી મૂકતો, પરંતુ અચાનક તેણે (કાજલ) વાસણમાં પાણી ભરવાનું શરૂ કર્યું અને માતાને ખોરાક આપવાનું પણ શરૂ કર્યું. મને એ ખૂબ વિચિત્ર લાગ્યું.’

રસોઇયાએ એમ પણ કહ્યું કે ‘સરલાદેવીના મૃત્યુ પછી કાજલે તેને એ પૉટ કચરાપેટીમાં નાખવા કહ્યું, કારણ કે તેમનું અવસાન થઈ ગયું છે અને હવે એની જરૂર નથી. એ પૉટ સારી કન્ડિશનમાં હતો છતાં તેણે મને એ કચરાપેટીમાં ફેંકી દેવાનું કહ્યું.

તેણે વધુમાં કહ્યું કે ‘ઑગસ્ટમાં માતાના અવસાન પછી તેણે તેના પતિને ઉકાળો આપવાનું શરૂ કર્યું, અને જ્યારે પણ તે ઉકાળો બનાવતી ત્યારે તે મને રસોડામાં અંદર જવા ન દેતી.’

પોલીસે જણાવ્યું કે આ ખૂબ મજબૂત પુરાવા છે, કારણ કે સરલાદેવીને કમલકાંત શાહ જેવાં જ લક્ષણો સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એ ડબલ મર્ડર કેસ હોવાનું તારણ કાઢવા માટે પૂરતું છે.

mumbai mumbai news mumbai police santacruz faizan khan