બટન દબાવો, બસ

20 June, 2025 07:03 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

હવે લોકલ ટ્રેનોમાં અને સ્ટેશનો પર ઓવરક્રાઉડિંગ વખતે, કોઈ દુર્ઘટના વખતે, કોઈ ક્રાઇમ થાય ત્યારે તરત મદદ મળશે

મુલુંડ સ્ટેશન પર લગાડવામાં આવેલું પૅનિક બટન. (તસવીરઃ રાજેન્દ્ર બી. અકલેકર)

સેન્ટ્રલ રેલવેએ ૧૧૭ સ્ટેશન પર બન્ને છેડે ખાસ પૅનિક બટનો લગાડ્યાં જે અસામાન્ય ઘટનામાં તાત્કાલિક રેલવે સ્ટાફ, RPF અને કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ થશે

સેન્ટ્રલ રેલવે (CR) પર ૧૧૭ રેલવે-સ્ટેશનોના બન્ને છેડે પૅનિક બટનો પ્રાયોગિક ધોરણે લગાડવામાં આવ્યાં છે જેનાથી મુસાફરો અકસ્માતો, ભીડભાડ અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ જેવી ઘટનાઓ દરમ્યાન રેલવે સ્ટાફ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને કન્ટ્રોલ રૂમને જાણકારી આપી શકશે.

આ પ્રમાણે બટન લગાડવાનું સૌપ્રથમ આયોજન ૨૦૨૩માં કરવામાં આવ્યું હતું જે નવમી જૂને મુંબ્રા દુર્ઘટના પછી મહત્ત્વપૂર્ણ બની ગયું છે. આ દુર્ઘટનામાં ચાર મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.

આ સંદર્ભમાં રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘રેલવે કૉર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા સેન્ટ્રલ રેલવેની મેઇન અને હાર્બર લાઇન પર પૅનિક બટનો ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે. જ્યાં આ બટન ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે એવાં કેટલાંક સ્ટેશનોમાં ભાયખલા, ચિંચપોકલી, કરી રોડ, મુલુંડ, ડૉકયાર્ડ રોડ અને કૉટન ગ્રીનનો સમાવેશ થાય છે.’

આ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે મુસાફરો અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ કટોકટીની સ્થિતિમાં RPFને ઝડપથી ચેતવણી આપી શકે.

આ મુદ્દે એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જ્યારે કોઈ મુસાફર પૅનિક બટન દબાવશે ત્યારે RPF, કન્ટ્રોલ રૂમ અને સ્ટેશન સ્ટાફને ચેતવણી મોકલવામાં આવશે અને તેઓ તાત્કાલિક સહાય પૂરી પાડવા અથવા જરૂરી પગલાં લેવા માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકે છે.’

central railway mumbai railways indian railways railway protection force mumbai railway vikas corporation mulud mumbai local train train accident mumbai transport news mumbai mumbai news