સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ એક વર્ષમાં ૨૬૨ કરોડ રૂપિયાનો ફાઇન વસૂલ કર્યો

09 March, 2026 07:29 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈની સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા પૅસેન્જરો પાસેથી રેલવેએ એક વર્ષમાં ૨૬૨ કરોડ રૂપિયાનો ફાઇન વસૂલ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા પૅસેન્જરો પાસેથી રેલવેએ એક વર્ષમાં ૨૬૨ કરોડ રૂપિયાનો ફાઇન વસૂલ કર્યો છે. માત્ર ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનમાં ટિકિટ વગર પ્રવાસ કરતા સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓ પાસેથી રેલવેએ ૩.૫૧ કરોડ રૂપિયા અને વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ પાસેથી ૩.૭૬ કરોડ રૂપિયાનો ફાઇન વસૂલ કર્યો હતો. 

નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં સેન્ટ્રલ રેલવેની મુંબઈ ડિવિઝનની ટિકિટચેકિંગ ટીમે યોગ્ય ટિકિટ વિના લોકલ ટ્રેન અને મેલ એક્સપ્રેસ ટ્રેન તથા AC ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ સામે કુલ ૧૬.૧૬ લાખ કેસ નોંધ્યા હતા અને તેમની પાસેથી ૭૧.૩૧ કરોડ રૂપિયાનો ફાઇન વસૂલ કર્યો હતો જે ગયા વર્ષની સરખામણીએ કેસની સંખ્યામાં બે ટકાનો અને ફાઇન વસૂલ કરવાની સરખામણીએ ૪ ટકાનો વધારો દર્શાવતા હતા. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર (PRO) ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ કુલ ૧.૬૫ લાખ કેસ નોંધાયા હતા અને ખુદાબક્ષો પાસેથી ૮.૫૮ કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો હતો.

વેસ્ટર્ન રેલવેના PRO વિનીત અભિષેકે કહ્યું હતું કે ‘એપ્રિલ ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં ૩૦ લાખ ખુદાબક્ષો અને સામાન-લગેજ ન નોંધાવનારાઓ પકડાયા હતા. તેમની પાસેથી ૧૯૧ કરોડ રૂપિયાનો ફાઇન વસૂલ કરવામાં આવ્યો હતો જે ગયા વર્ષ કરતાં ૪૨ ટકા વધુ હતો. ફેબ્રુઆરીમાં લગભગ ૩ લાખ જેટલા કેસ નોંધાયા હતા અને તેમની પાસેથી ૧૮.૫ લાખ રૂપિયાનો ફાઇન વસૂલ કરવામાં આવ્યો હતો જે ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ ૧૦ ટકા વધુ હતો.’

mumbai news mumbai western railway central railway mumbai local train mumbai trains