05 September, 2024 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ દેશમુખ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ગિરીશ મહાજનને ખોટા કેસમાં ફસાવવાના મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે વધુ એક ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. આથી અનિલ દેશમુખની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે CBIનો આભાર માન્યો છે. જોકે અનિલ દેશમુખે પોતાની સામે વધુ એક તથ્યહીન કેસ દાખલ કરવામાં આવ્યો છે એમ કહીને ઉમેર્યું હતું કે હું ઝૂકીશ નહીં, BJP સામે લડીશ. ગિરીશ મહાજનને જેલમાં નાખવા માટેના મામલામાં અગાઉ વિશેષ સરકારી વકીલ પ્રવીણ ચવાણ સહિત કેટલાક લોકો સામે CBIએ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ અધિકારી પ્રવીણ મુંડેએ અનિલ દેશમુખ સામે નિવેદન નોંધાવ્યું હતું એટલે હવે CBIએ ભૂતપૂર્વ ગૃહપ્રધાન સામે બીજો FIR નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ગિરીશ મહાજને પ્રેસ-કૉન્ફરન્સ કરીને મહા વિકાસ આઘાડીની તત્કાલીન સરકારે તેમને ખોટા કેસમાં ફસાવીને અનિલ દેશમુખે ગુનો નોંધવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતું. આ મામલાની માહિતી પોલીસ અધિકારી પ્રવીણ મુંડેએ આપ્યા બાદ CBIએ તપાસ શરૂ કરી હતી. ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરવાના મામલામાં અનિલ દેશમુખ સામે CBIએ કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. અત્યારે અનિલ દેશમુખ જામીન પર છે.