04 August, 2025 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સહારના ઍર કાર્ગો કૉમ્પ્લેક્સમાં ફરજ બજાવતા કસ્ટમ્સ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટે કાર્ગોને ક્લિયરન્સ આપવા માટે લાંચ માંગતાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ તેમની ધરપકડ કરી છે.
કસ્ટમ હાઉસ એજન્ટ (CHA) નામની ફર્મનું ઇમ્પોર્ટ થયેલું કન્સાઇનમેન્ટ ક્લિયર કરવા માટે ક્રિશનકુમાર નામના સુપરિન્ટેન્ડેન્ટે એક કિલોના ૧૦ રૂપિયા પ્રમાણે લાંચ માગી હતી. પોતાનો અને ઉપરી અધિકારીનો એમાં ભાગ હોવાનું જણાવીને કન્સાઇનમેન્ટ સરળતાથી પાસ કરવા માટે કુલ ૧૦.૨૦ લાખ રૂપિયા લાંચપેટે તેમણે લીધા હતા. CBIના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ફરિયાદ મુજબ CHAના અધિકારીઓએ લાંચ આપવાની મનાઈ કરતાં સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી અને કન્સાઇનમેન્ટ પણ રોકી રાખવામાં આવ્યું હતું. CHAએ CBIને આ મામલે ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ૨૫ જુલાઈથી ૧ ઑગસ્ટ સુધી CBIએ કૉલ રેકૉર્ડિંગ અને જુદા-જુદા સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યા બાદ છટકું ગોઠવીને સુપરિન્ટેન્ડેન્ટને લાંચ લેતાં પકડ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમ જ અન્ય સરકારી અધિકારી જે આ કેસમાં સંકળાયેલા છે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.’