એપીએમસીના વેપારી પરના હુમલાખોરોને પકડો, નહીં તો સોમવારથી ફ્રૂટમાર્કેટ બંધ

22 December, 2022 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી સુધી આરોપીઓ પકડાયા ન હોવાથી ગુસ્સે ભરાયેલા વેપારીઓએ પોલીસને આપ્યું શનિવાર સુધીનું અલ્ટિમેટમ

ફાઇલ તસવીર

નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસીની ફ્રૂટમાર્કેટના વેપારી પ્રમોદ પાટે પર એપીએમસીની જ વેજિટેબલ માર્કેટના કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એને લઈને ફ્રૂટમાર્કેટના વેપારીઓ સોમવારે પોલીસ સ્ટેશન પર મોરચો લઈ ગયા હતા અને આરોપીઓને પકડવાની રજૂઆત કરી હતી. જોકે હજી સુધી આરોપીઓ પકડાયા ન હોવાથી હવે ગુસ્સે ભરાયેલા વેપારીઓએ પોલીસને અલ્ટિમેટમ આપતાં કહ્યું હતું કે આરોપીઓને શનિવાર સુધીમાં પકડો, નહીં તો અમે સોમવારથી ફ્રૂટમાર્કેટ બેમુદત બંધ કરી દઈશું.

એપીએમસીની ફ્રૂટમાર્કેટમાં જી-૧૯૮ નંબરની દુકાન ધરાવતા પ્રમોદ પાટે પર વેજિટેબલ માર્કેટના કેટલાક લોકોએ શનિવારે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમની મારઝૂડ કરી હતી અને તેમની ઑફિસને ખેદાનમેદાન કરી નાખી હતી. એ લોકો ત્યાં લગાડાયેલા સીસીટીવી કૅમેરાનું રેકૉર્ડર પણ સાથે લઈ ગયા હતા. આ હુમલો આર્થિક વ્યવહારને કારણે કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

એપીએમસીની ફ્રૂટમાર્કેટના સંચાલક મંડળના સભ્યે કહ્યું હતું કે ‘૧૦થી ૧૫ જણે આ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ પ્રમોદ પાટેના પિતાને વિડિયો કૉલ પણ કર્યો હતો અને તેમને પણ ધમકી આપી હતી. માર્કેટમાં રોજના કરોડો રૂપિયાના વ્યવહાર થાય છે. ક્યારેક એમાં અન્ટસ પડે પણ ખરી, પણ એને લઈને આવી રીતે હુમલો ન કરાય. અમે આ હુમલાને વખોડીએ છીએ. વેજિટેબલ માર્કેટ અમારા ભાઈ જેવી જ છે. એમ છતાં આવો હુમલો કરવો યોગ્ય નથી. એપીએમસી પોલીસને અમે રજૂઆત કરી છે અને કહ્યું છે કે વહેલી તકે આરોપીઓને પકડવામાં આવે. જો તેઓ શનિવાર સુધીમાં આરોપીઓને નહીં પકડે તો અમે સોમવારથી ફ્રૂટમાર્કેટ બેમુદત બંધ કરી દઈશું.’

mumbai mumbai news vashi navi mumbai apmc market