ગાંધીજી વિશે ઘસાતી કમેન્ટ : સંભાજી ભિડે સામે પોલીસ કેસ

30 July, 2023 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રપિતાના પિતા ગુજરાતી મુસ્લિમ હોવાનું અને તેમનો લંડનમાં ભણવાનો ખર્ચ પણ આ પિતાએ ઉપાડ્યો હોવાનો દાવો કર્યા બાદ કૉન્ગ્રેસ આક્રમક : અમરાવતી અને યવતમાળમાં દેખાવો

ફાઇલ તસવીર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ અને ધર્મ વિશે અત્યંત વાંધાજનક નિવેદન કરવા બદલ નાશિક પોલીસે શ્રી શિવપ્રતિષ્ઠાન હિન્દુસ્તાન સંસ્થાના સ્થાપક મનોહર ઉર્ફે સંભાજી ભિડે સામે ગઈ કાલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. વાંધાજનક નિવેદનની જાણ થયા બાદ મુંબઈમાં ચાલી રહેલા રાજ્યના વિધાનસભાના સત્રમાં કૉન્ગ્રેસે સંભાજી ભિડે સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

અમરાવતીમાં બડનેરા માર્ગ પરના જય ભારત મંગલમ ખાતે ગુરુવારે રાત્રે આયોજિત કાર્યક્રમમાં સંભાજી ભિડેએ કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી ‍હોવાનું કહેવાય છે, પણ કરમચંદ ગાંધી મોહનદાસના પિતા નથી. તેમના પિતા એક ગુજરાતી મુસ્લિમ જમીનદાર છે.’

સંભાજી ભિડેના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. સંભાજી ભિડેના નિવેદનના વિરોધમાં કૉન્ગ્રેસના કાર્યકરોએ ગઈ કાલે અમરાવતીમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને સંભાજી ભિડે સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. કાર્યકરોએ આ હિન્દુત્વવાદી નેતાનાં પોસ્ટરો પણ ફાડ્યાં હતાં. સંભાજી ભિડેનું નિવેદન અત્યંત વાંધાજનક હોવાથી કૉન્ગ્રેસના રાજ્યના સેક્રેટરી નંદકિશોર કુયાતેએ અમરાવતીના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આઇપીસીની કલમ ૧૫૩-એ અંતર્ગત ફરિયાદ લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

સંભાજી ભિડેએ શું કહ્યું હતું?

ગુરુવારના કાર્યક્રમમાં સંભાજી ભિડેએ મહાત્મા ગાંધીના જન્મ વિશે વધુમાં કહ્યું હતું કે ‘મોહનદાસ પિતા કરમચંદની ચોથી પત્નીના પુત્ર હતા. કરમચંદ જે મુસ્લિમ જમીનદાર પાસે કામ કરતા હતા ત્યાંથી તેઓ મોટી રકમ ચોરી કરીને ભાગી ગયા હતા. આથી ચીડાઈ ગયેલા જમીનદાર કરમચંદની ચોથી પત્નીને પોતાના ઘરે લઈ આવ્યા હતા. બાદમાં તેમણે પત્ની જેવા સંબંધ રાખ્યા હતા. આથી કરમચંદ ગાંધી એ મોહનદાસના સાચા પિતા નથી. તેના પિતા મુસ્લિમ જમીનદાર જ છે.’

મોહનદાસની સંભાળ અને શિક્ષણની જવાબદારી પણ તેમણે લીધી હોવાના નક્કર પુરાવા ઉપલબ્ધ હોવાનો દાવો પણ સંભાજી ભિડેએ કર્યો છે. દેશમાં સર્વધર્મ સમભાવના ઉપદેશની જરૂર નથી. આવો મેસેજ આપનારા નેતાઓને રાજકારણમાંથી કાઢી મૂકવા જોઈએ એવું આહવાન કરીને તેમણે કહ્યું હતું કે ‘હિન્દુસ્તાન એકમાત્ર હિન્દુઓની બહુમતીવાળો દેશ છે. હિન્દુઓનું શૌર્ય અફાટ છે, પરંતુ હિન્દુઓ પોતાનો ધર્મ, કર્તવ્ય, જવાબદારી વિસરી ગયા છે.’

હવે કૉન્ગ્રેસના વિધાનસભ્યો સત્તામાં સામેલ થશે?

શિવસેના અને એનસીપી બાદ હવે કૉન્ગ્રેસના વિધાનસભ્યો બીજેપીની સરકારમાં સામેલ થવા જઈ રહ્યા હોવાનો દાવો બીજેપીના સાંસદ રણજિતસિંહ નાઈક-નિંબાળકરે કર્યો છે. આથી ફરી રાજ્યના રાજકારણમાં નવાજૂની થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગયા વર્ષે રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી ત્યારે બીજેપીના દેવેન્દ્ર ફડણવીસે સંખ્યા ન હોવા છતાં કૉન્ગ્રેસના ઉમેદવારોને હરાવ્યા હતા. આ સમયે કૉન્ગ્રેસના કેટલાક વિધાનસભ્યોએ મતદાન ન કરીને આડકતરી રીતે બીજેપીની મદદ કરી હોવાની ચર્ચા થઈ હતી. હવે બીજેપીની સાથે શિવસેના અને એનસીપી સરકારમાં સામેલ છેત્યારે મહાવિકાસ આઘાડી જેવું કંઈ રહ્યું નથી. આથી કૉન્ગ્રેસના વિધાનસભ્યો સત્તામાં સામેલ થવા તલપાપડ થઈ 
રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  

એક-એક શું ફોડો છો, ચૂંટણી જાહેર કરો

ઉદ્ધવ ઠાકરે જૂથનાં ભૂતપૂર્વ નગરસેવિકા તૃષ્ણા વિશ્વાસરાવ બાદ ભૂતપૂર્વ નગરસેવક મંગેશ સાતમકરે એકનાથ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો છે. આ સાથે શિંદે જૂથમાં જનારા નગરસેવકોની સંખ્યા ૧૪ થઈ છે. બીએમસીની ચૂંટણી આવશે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડવાની શક્યતા જોવાઈ રહી છે. જોકે ઉદ્ધવ ઠાકરેના પેટનું પાણી પણ નથી હલ્યું એવું લાગી રહ્યું છે. તેમણે ગઈ કાલે બીજેપીને પડકાર ફેંક્યો હતો કે એક-એક શું ફોડો છો? ચૂંટણી જાહેર કરો એટલે ખબર પડશે કોઈ કેટલા પાણીમાં છે. સાયન-કોલીવાડાના શિવસૈનિકો ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘જેમ-જેમ લોકો બીજી તરફ જઈ રહ્યા છે તેમ-તેમ શિવસૈનિકોની વિજય મેળવવાની તાકાત વધી રહી છે. જેઓ ગયા છે તેમને જય મહારાષ્ટ્ર. હવે તેમની સાથેનો આપણો સંબંધ પૂરો થયો. ચૂંટણી જાહેર કરે તો ખ્યાલ આવશે કોણ કેટલા પાણીમાં છે.’

નેહરુનું દેશ માટે નખ જેટલુંય યોગદાન નહોતું

સંભાજી ભિડેએ મહાત્મા ગાંધીના પિતા અને ધર્મ પર વાંધાજનક નિવેદન આપ્યા બાદ ગઈ કાલે તેમણે પંડિત જવાહરલાલ નેહરુ કોઈ પણ યોગદાન વિના ભારતના વડા પ્રધાન બની ગયા હોવાનું નિવેદન કર્યું હતું. યવતમાળમાં ગઈ કાલે વ્યાખ્યાન આપતી વખતે સંભાજી ભિડેએ કહ્યું હતું કે ‘પંડિત નેહરુને ભારત પ્રત્યે જરાય પ્રેમ નહોતો. દેશ માટે તેમનું નખ જેટલુંય યોગદાન ન હોવા છતાં તેઓ વડા પ્રધાન બની ગયા હતા. પંડિત નેહરુએ ચીન સાથે કરેલો પંચશીલ કરાર હિન્દુસ્તાન માટે મારક ઠર્યો હતો. તેમની ભૂલને લીધે ચીને ભારતનો પરાજય કરીને ઈશાન ભારતની જમીન હડપી લીધી હતી. આ જમીન પાછી મેળવવા માટે અત્યાર સુધી કોઈ પ્રયાસ નથી કરાયા. તમામ નેતાઓ ચૂપ છે. હિન્દુઓને યુદ્ધશાસ્ત્રીની જરૂર છે‍. એ માટે લશ્કરની આધુનિક ‍સ્કૂલ શરૂ કરીશ.’

mahatma gandhi jawaharlal nehru mumbai police mumbai mumbai news amravati yavatmal