08 October, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સના સુહાસ કડુસરે, અસિસ્ટન્ટ સિક્યૉરિટી ઑફિસર હીરાચંદ વિશે, પાંડુરંગ કાળે અને કરણ.
કોસ્ટલ રોડ પર સોમવારે રાતે ૧૦.૫૦ વાગ્યે મહાલક્ષ્મીથી વરલી તરફ જતી વખતે એક કારના ડ્રાઇવરે કારના સ્ટીઅરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. જોરદાર અથડામણને લીધે કાર ઊછળી કોસ્ટલ રોડની રેલિંગ તોડીને દરિયામાં ૩૦ ફુટ નીચે ખાબકી હતી. કોસ્ટલ રોડ પર ફરજ બજાવી રહેલા મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સના બે જવાનો અને અન્ય એક પોલીસ કર્મચારી દોડ્યા હતા અને તરત જ સમુદ્રમાં ઝંપલાવીને કાર ચલાવી રહેલા પ્રશુનકોર બત્તીવાલાને બચાવી લીધો હતો. તેને મામૂલી ઈજાઓ થઈ હતી. પ્રાથમિક તપાસમાં બ્રેથ ઍનલાઇઝરની ટેસ્ટ લેવાતાં તેણે દારૂ પીધો હોવાનું જણાઈ આવ્યું હતું. એ પછી પણ તેનાં બ્લડ-સૅમ્પલ લઈને ચકાસણી માટે મોકલવામાં આવ્યાં હતાં. તેને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેની હાલત સ્ટેબલ હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.
તાડદેવમાં રહેતો ૨૮ વર્ષનો પ્રશુનકોર બત્તીવાલા આટલો જોરદાર અકસ્માત થયા પછી કારની બહાર આવી તરતા રહીને બચવાના પ્રયાસ કરી રહ્યો હતો. એ વખતે કોસ્ટલ રોડ પર ફરજ બજાવી રહેલા મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સના પાંડુરંગ કાળે અને વિકાસ રાઠોડ તથા ભાયખલા પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ ધોંડે તરત જ દરિયામાં ઝંપલાવ્યું હતું અને તેને બચાવી લીધો હતો.
આ અકસ્માત થયો ત્યારે સદ્નસીબે ભરતી નહોતી. પોલીસે પ્રશુનકોરનું સ્ટેટમેન્ટ લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ગભરાયેલો હોવાથી તેનું સ્ટેટમેન્ટ લઈ શકાયું નહોતું. વરલી પોલીસે તેની સામે બેદરકારીપૂર્વક કાર ચલાવીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધ્યો હતો.