02 November, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કુર્લા-વેસ્ટના એક વેપારીએ વેપારમાં થયેલા ભારે નુકસાન અને માથે ચડેલા ૧૫ લાખ રૂપિયાના દેવાથી કંટાળીને જ્વેલરી શૉપમાં લૂંટ ચલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વિનોબા ભાવે નગર પોલીસે ૩૦ વર્ષના જાવેદ સૈયદની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શુક્રવારે બપોરે નકલી પિસ્તોલ બતાવીને લૂંટવાનો પ્રયાસ કરી રહેલા આરોપીના મનસૂબા પર પૅટ્રોલિંગ કરી રહેલા ઍન્ટિ-ટેરરિઝમ સેલ (ATC) અને વિનોબા ભાવેનગર પોલીસ-સ્ટેશનના સાહસિક કૉન્સ્ટેબલે પાણી ફેરવી દીધું હતું. પોલીસે આરોપીની સ્થળ પર જ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વિનોબા ભાવે નગર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અમિત તાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અટકાયત કરવામાં આવેલા આરોપીનું નામ માઝ જાવેદ સૈયદ છે અને તે કુર્લા-વેસ્ટમાં નૂર હૉસ્પિટલ નજીકનો રહેવાસી છે. ચામડાના બિઝનેસમાં મોટું નુકસાન થવાને કારણે તેના પર ૧૫ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, જેને ચૂકવવા માટે તકાજો વધતાં તેણે કુર્લામાં સોનાપુર લેનમાં આવેલી ભવાની જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી હતી. શુક્રવારે બપોરે જ્વેલરની દુકાનમાં ઘૂસીને, નકલી પિસ્તોલ બતાવીને તેણે જ્વેલરી બૅગમાં ભરવાની ધમકી આપી હતી. જોકે દુકાનદારે અને કર્મચારીઓએ ડર્યા વગર બૂમાબૂમ કરીને મદદ માટે અવાજ ઉઠાવ્યો હતો. આ દરમ્યાન આ વિસ્તારમાં પૅટ્રોલિંગ કરી રહેલા અમારા પોલીસ-સ્ટેશનના ATC સ્ટાફના પોલીસ-કૉન્સ્ટેબલ ચંદ્રશેખર ગુપ્તાના કાને અવાજ પડતાં તે તરત જ દુકાન તરફ દોડી ગયો હતો. તેણે જીવના જોખમે આરોપી જાવેદ સૈયદ પર ઝડપ મારીને તેના હાથમાંથી નકલી પિસ્તોલ આંચકી લીધી હતી. આ ઝપાઝપીમાં આરોપીને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે ભાભા હૉસ્પિટલમાં ખસેડાયા બાદ તેની વિરુદ્ધ લૂંટના પ્રયાસનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.’