મુસ્લિમ મહિલાઓની બદનામી કરતી ઍપની માસ્ટરમાઇન્ડ ટીનેજર

06 January, 2022 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસે બુલી બાઇ ઍપ મામલામાં શ્વેતા સિંહ નામની યુવતીની ઉત્તરાખંડમાંથી કરી ધરપકડ

મુસ્લિમ મહિલાઓની બદનામી કરતી ઍપની માસ્ટરમાઇન્ડ ટીનેજર

મુંબઈ : બુલી બાઇ ઍપના માધ્યમથી મુસ્લિમ મહિલાઓ લિલામી માટે ઉપલબ્ધ હોવાની પોસ્ટ કરવાના મામલામાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં એક ટીનેજર યુવતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મૂળ ઉત્તરાખંડની ૧૮ વર્ષની યુવતી માસ્ટરમાઇન્ડ હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. 
મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ ગઈ કાલે માહિતી આપી હતી કે ‘બુલી બાઇ ઍપનું પ્રકરણ ત્રણ દિવસથી દેશભરમાં ગાજી રહ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરાખંડની ૧૮ વર્ષની યુવતી શ્વેતા સિંહ આ મામલાની માસ્ટરમાઇન્ડ છે. એ સિવાય ધરપકડ કરવામાં આવેલા વિશાલ ઝા અને મયંક રાવતની પૂછપરછ કરવામાં આવી રહી છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના દિવસે આ ઍપ લૉન્ચ કરવામાં આવી હતી. મુંબઈમાં સાઇબર પોલીસ સ્ટેશનમાં બીજી જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’
પોલીસ કમિશનરે ઉમેર્યું હતું કે ‘સાઇબર પોલીસની ટીમની તપાસમાં જણાઈ આવ્યું છે કે આરોપીઓએ બુલી બાઇ નામનું હૅન્ડલ ટ્વિટર પર પણ બનાવ્યું હતું. તેમણે બનાવેલી વેબસાઇટ વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટે તેમણે આવું કર્યું હતું. અમે આરોપીઓના ફૉલોઅરની માહિતી મેળવી હતી. માત્ર પાંચ લોકો તેમને ફૉલો કરતા હતા. આ મામલે અત્યારે વધુ તપાસ ચાલી રહી હોવાથી આરોપીઓએ શા માટે એક વિશેષ ધર્મની મહિલાઓની જ પોસ્ટ તૈયાર કરી હતી એની માહિતી અત્યારે શૅર કરી શકાય એમ નથી.’

mumbai mumbai news mumbai police