પોતે નશામુક્તિ કેન્દ્રમાં હોવાનું કહીને પ્રેમીએ ટીનેજ લવર પાસેથી ૩.૩૮ લાખ રૂપિયાના દાગીના અને રોકડ પડાવ્યાં

03 October, 2023 12:15 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

પ્રેમીના મિત્રોએ સગીર પ્રેમિકા પાસેથી કાનની બુટ્ટીઓ, સોનાની ચેઇન, સોનાનું બ્રેસલેટ, ચાંદીની પાયલ ઉપરાંત ૨૧,૦૦૦ રૂપિયા ફોન-પેથી અને ૧૨,૦૦૦ રૂપિયા રોકડા પડાવ્યા

પ્રતીકાત્મક તસવીર

યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે શારીરિક અને આર્થિક રીતે છેતરપિંડી કરવામાં આવે છે. આવો જ કંઈ ગજબનો કિસ્સો મીરા રોડમાં સામે આવ્યો છે. આ ઘટનામાં બૉયફ્રેન્ડે તેના મિત્રો સાથે મળીને એક વિચિત્ર પ્લાન બનાવ્યો હતો. સગીરાનો બૉયફ્રેન્ડ વ્યસનમુક્તિ એટલે કે નશામુક્તિ કેન્દ્રમાં છે એટલે તેને છોડાવવા લગભગ સાડાત્રણ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એથી પોતાના બૉયફ્રેન્ડને નશામુક્તિ કેન્દ્રમાં રાખવા યુવતીએ ૨૧,૦૦૦ રૂપિયા સહિત સોનાના દાગીના આપી દીધાનો બનાવ સામે આવ્યો છે.

મીરા રોડમાં રહેતી ૧૬ વર્ષની ટીનેજરને રોહિત કાવા નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમના ચક્કરમાં ટીનેજરે તેના પર વિશ્વાસ કર્યો હતો. ત્યાર બાદ ટીનેજર સંપૂર્ણપણે જાળમાં ફસાઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં રોહિત કાવા અને તેના મિત્ર વિપુલ સિંહ તેમ જ એક યુવતીએ સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. રોહિત નશામુક્તિ કેન્દ્રમાં છે અને તેને છોડાવવા માટે પૈસાની જરૂર છે એવી વાતો કરીને ટીનેજરને વિશ્વાસમાં લેવામાં આવી હતી. રોહિતનો ફોન લાગતો ન હોવાથી સગીરા ચિંતામાં  આવી ગઈ હતી. એથી તેમની વાતો તેને સાચી લાગી હતી કે તેનો પ્રેમી જાળમાં ફસાઈ ગયો છે. એ પ્રમાણે ટીનેજર બન્નેને મળવા બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ગઈ હતી. આરોપીઓએ તેને ભાવનાત્મક અપીલ કરી હતી અને પૈસા આપવા જરૂરી છે એમ કહીને તેની પાસેથી ૩,૦૯,૦૦૦ રૂપિયાના દાગીના પડાવી લીધા. દાગીનામાં કાનની બુટ્ટીઓ, સોનાની ચેઇન, સોનાનું બ્રેસલેટ, ચાંદીની પાયલ વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત તેના ફોનમાંથી ૨૧,૦૦૦ રૂપિયા ફોન-પે કરવા કહ્યું હતું અને ૧૨,૦૦૦ રૂપિયા રોકડા પણ લેવામાં આવ્યા હતા. આમ આરોપીઓએ ટીનેજર પાસેથી ૩ લાખ ૩૮ હજાર રૂપિયાના દાગીના અને રોકડ પડાવી લીધા હતા.

ત્યાર બાદમાં ટીનેજરના ધ્યાનમાં આવ્યું કે આ બનાવ બનાવટી છે. એટલે છેતરપિંડીનો અનુભવ થતાં સગીરાએ આ પ્રકરણે મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એથી તેની ફરિયાદના આધારે રોહિત કાવા, વિપુલ સિંહ અને એક યુવતી વિરુદ્ધ કલમ ૪૨૯, ૪૦૬, ૩૪ હેઠળ રવિવારે રાતે છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

કેસની તપાસ કરી રહેલા મીરા રોડ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુનીલ સાળુંખેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપીઓ ટીનેજરના પરિચિત હોવાથી તેણે તરત જ તેમની પર વિશ્વાસ કરી લીધો હતો. તેમના પર કેસ નોંધવામાં આવ્યો છે. એથી આ કેસની વધુ તપાસ પછી એ સ્પષ્ટ થશે કે કેટલી છેતરપિંડી કરવામાં આવી હતી. અન્ય કોઈ યુવતી સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હતી કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે.’

mira road Crime News mumbai crime news mumbai police mumbai mumbai news