19 August, 2024 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માઝગાવની BIT ચાલની મહિલાઓ રાખડી અને આરતીની થાળી સાથે.
મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનામાં ૨૧થી ૬૫ વર્ષની મહિલાઓને મહારાષ્ટ્ર સરકાર દર મહિને ૧૫૦૦ રૂપિયા આપી રહી છે એનાથી મોટા ભાગની મહિલાઓ ખુશ છે અને સરકારનો આભાર વ્યક્ત કરી રહી છે. જોકે કેટલીક સમસ્યાનો સામનો કરી રહેલી મહિલાઓ રૂપિયાને બદલે સરકાર તેમની મુશ્કેલી દૂર કરે એવી માગણી કરી રહી છે. માઝગાવમાં આવેલી બૉમ્બે ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ (BIT) ચાલની મહિલાઓએ ગઈ કાલે રાખડી અને આરતીની થાળી સાથે અનોખી રીતે આંદોલન કર્યું હતું. આ મહિલાઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સંબોધન કરીને કહ્યું હતું કે અમને લાડકી બહિણ યોજનાના રૂપિયા નથી જોઈતા, અમારાં ઘર ઝૂંટવ્યાં છે તે બિલ્ડર સામે કાર્યવાહી કરો.
ઉલ્લેખનીય છે કે BIT ચાલના રીડેવલપમેન્ટ માટે ૨૦૦૬ અને ૨૦૦૯માં બે જુદા-જુદા બિલ્ડરો સાથે કરાર કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં બિલ્ડરોએ રીડેવલપમેન્ટના આ પ્રોજેક્ટમાં ગરબડ કરી હોવાની ફરિયાદ મળતાં બિલ્ડર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એને લીધે કામ આગળ નથી વધ્યું. તાજેતરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આ સંબંધે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સંબંધિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે હજી સુધી બિલ્ડર સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં એટલે માઝગાવની BIT ચાલની મહિલાઓએ ગઈ કાલે આ બાબતે આંદોલન કર્યું હતું.