કેસની નિષ્પક્ષ તપાસમાં રસ ન હોય તો મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપી દઈએ

10 September, 2026 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘરની હૉસ્પિટલના સ્ટાફ પરના હુમલાના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટ બરાબરની વીફરી પોલીસ સામે

પાલઘરની હૉસ્પિટલમાં શિ‍વસૈનિકોએ મચાવેલી ધમાલ.

પાલઘરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં તોડફોડ કરવાના અને મેડિકલ સ્ટાફ પર હુમલો કરવાના ગુનામાં શિવસેનાના કાર્યકરો સામેની તપાસમાં અત્યંત નરમાશ અને બેદરકારી દાખવવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે પાલઘર પોલીસનો ઊધડો લીધો છે. કોર્ટે આ વલણને પોલીસની અક્ષમતા ગણાવી હતી. બીજા દિવસની સુનાવણીમાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે જો પાલઘર પોલીસને આ કેસની નિષ્પક્ષ તપાસમાં રસ ન હોય તો આ તપાસ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવશે.

કોર્ટે સંવેદનશીલ કેસમાં યોગ્ય તપાસ ન થવા બદલ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે પોલીસનું આ પ્રકારનું વલણ તદ્દન અસ્વીકાર્ય છે. હાઈ કોર્ટે ટકોર કરી હતી કે ‘જુલાઈ મહિનામાં ડોમ્બિવલીની હૉસ્પિટલમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેએ ડૉક્ટરો પર કરેલા હુમલાની ઘટના બાદ પણ એમાંથી પોલીસ કોઈ સબક શીખી નથી? શું એ હૉસ્પિટલની એક ઘટના પોલીસ માટે પૂરતી નહોતી?’

સુનાવણી દરમ્યાન પાલઘરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ યતીશ દેશમુખે કોર્ટને માહિતી આપી હતી કે FIRમાં નોંધેલા ૧૦ આરોપીઓમાંથી એકનાથ શિંદે જૂથની શિવસેનાના શહેર પ્રમુખ રાહુલ ઘરતની અટકાયત કરવામાં આવી છે અને તે પોલીસ-કસ્ટડીમાં છે, જ્યારે બાકીના ૯ આરોપીઓ ફરાર છે. 

આ ફરાર આરોપીઓની હજી પણ ધરપકડ ન થવા સામે અસંતોષ વ્યક્ત કરતાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે ‘FIR નોંધાયા પછી પોલીસે કોઈ જ તપાસ કરી હોય એમ લાગતું નથી. પોલીસની ઢીલી નીતિને કારણે જ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. આ મામલે પોલીસ સામે શા માટે પ્રતિકૂળ આદેશ ન આપવો?’

કોર્ટે પોલીસને તાત્કાલિક પગલાં લઈને તમામ આરોપીઓને પકડવા આદેશ આપ્યો છે.

mumbai news mumbai bombay high court palghar