11 September, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કચરાનો ઢગલો
મુંબઈના રસ્તાઓ પર ખડકાયેલા કચરાના ઢગલા અને સ્વચ્છતાના અભાવ માટે બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આકરી ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આખું શહેર ગંદકીથી ભરાયેલું છે. જો આ પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો નહીં થાય તો સંબંધિત વૉર્ડ-ઑફિસરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.’
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ આસપાસના પ્રદૂષણના મુદ્દે દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી દરમ્યાન જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે નોંધ્યું હતું કે BMCનું તંત્ર નિષ્ક્રિય થઈ ગયું છે.
હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ‘શહેરમાં અમુક નિશ્ચિત સ્થળોએ હંમેશાં કચરાના ઢગલા જોવા મળે છે. એમ છતાં વૉર્ડ-ઑફિસર કોઈ જરૂરી પગલાં લેતા નથી. હવેથી જો રસ્તાઓ પર કચરાના ઢગલા દેખાશે તો સંબંધિત વૉર્ડ-ઑફિસરને જવાબદાર ગણીને તેને નોકરીમાંથી બરતરફ કરવા સુધીના આકરા આદેશો આપવામાં આવશે.’
કોર્ટે BMCના કમિશનરને સમગ્ર તંત્રને સુવ્યવસ્થિત કરવા અને જવાબદારી નક્કી કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે BMCના તમામ વૉર્ડમાં સ્વચ્છતાની જવાબદારી સંભાળતા અધિકારીઓની યાદી અને કચરા નિકાલ માટેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) રજૂ કરવા આદેશ આપ્યો છે.
હાઈ કોર્ટે રાજ્ય સરકારને જાહેર રસ્તાઓ પર કચરો ફેંકનારા નાગરિકો સામે ભારે દંડ ફટકારવા અને ફોજદારી કેસ નોંધવા વિચારણા કરવા પણ સૂચન કર્યું છે. આ ઉપરાંત સ્વચ્છતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની મદદ લેવા માટે પણ BMCને સલાહ આપી છે. આ કેસની વધુ સુનાવણી ૭ ઑક્ટોબરે કરવામાં આવશે.